ગુજરાત સરકારે ખાનગી સ્કૂલો પર પણ ફીનું નિયંત્રણ લગાવ્યું હોવા છતાં સ્કૂલ દ્વારા ઉંચી ફી વસૂલવા સાથે ફી વધારો પણ કરી દેવાતા પારડીની વલ્લભ આશ્રમ સ્કૂલના વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. તેમણે આ સંદર્ભે આચાર્ય બાદ વલસાડ કલેક્ટર અને શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો હતો. પારડી વલ્લભ આશ્રમ સંચાલિત એમ. જી. એમ અમીન અને વી. એન. સવાની સ્કૂલના વાલીઓએ સોમવારે સ્કૂલ પર હોબાળો મચાવી આચાર્યને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું કે, સરકારે ખાનગી શાળાઓને મર્યાદિત ફી લેવા માટે પરિપત્ર બહાર પાડયો છે, પરંતુ અહીં નિયત કરેલી ફી કરતાં વધુ ફીની વસૂલાત થઇ રહી છે. જેનો સખત વિરોધ છે. જોકે, આ આવેદનપત્રમાં તેમણે કેટલી ફી વસૂલાઇ રહી છે તેનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. વાલીઓના જણાવ્યા મુજબ આ વર્ષે વલ્લભ આશ્રમ સ્કૂલે ૨૦ ટકાથી વધુ ફી વધારો ઝીંક્યો છે. જેના કારણે તેઓ વિરોધે ચઢ્યા છે. ગત વર્ષે સ્કૂલની ફી રૂ.૩૦ હજારથી ૩૬ હજાર સુધીની હતી. જ્યારે આ વર્ષે તેમાં વધારો કરી ૩૭ હજારથી ૪૭ હજાર સુધીની કરી દેવાઇ છે. વલ્લભ આશ્રમ જેવી મોટી સ્કૂલના વાલીઓ ફીના મુદ્દે સામે આવતાં શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. સીબીએસઇ સ્કૂલના ફી વિરોધ વચ્ચે સરકાર દ્વારા કયા પગલાં ભરાય તેની સામે હવે વાલીઓ મીટ માંડીને બેઠા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"