રાજ્યમાં જાહેર સ્વાસ્થ્ય સુવિધાઓમાં સ્વચ્છતા, આરોગ્યપ્રદ વાતાવરણ અને ચેપ નિયંત્રણ કરવાની પદ્ધતિને પ્રાધાન્ય આપવું જેવા વિવિધ સ્વાસ્થ્યલક્ષી હેતુઓમાં શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્રના પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવે છે. જેના ભાગરૂપે નેશનલ હેલ્થ મિશન તેમજ પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલય અંતર્ગત કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાના હસ્તે નેશનલ હેલ્થ મિશન-ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ અંતર્ગત રાજ્યસ્તરે કુલ-૧૮૬ તેમજ રાજકોટની પદ્મકુંવરબા જનરલ હોસ્પિટલ, તાપી જિલ્લાના વ્યારાની જનરલ હોસ્પિટલ તેમજ પાટણ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર-કુંવારાને રાષ્ટ્રીય સ્તરના કુલ-૩ કાયાકલ્પ એવોર્ડ નેશનલ હેલ્થ મિશન-ગુજરાતના મિશન ડાયરેકટર ડૉ. ગૌરવ દહિયા, અને તેમની ટીમને નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યા હતા.
કાયાકલ્પ એવોર્ડના મુખ્ય હેતુઓમાં જાહેર સ્વાસ્થ્ય સુવિધાઓમાં સ્વચ્છતા, આરોગ્યપ્રદ વાતાવરણ અને ચેપ નિયંત્રણ કરવાની રીતોને ઉત્તેજન આપવું. સ્વચ્છતા અને ચેપ નિયંત્રણના પરિભાષિત ધોરણો અનુસરવા ઉત્તમ કામગીરી કરનારી જાહેર સ્વાસ્થ્ય સંભાળની સુવિધાઓને પ્રોત્સાહક ઇનામ આપવું અને તેની કામગીરીને બિરદાવવી. આરોગ્યપ્રદ વાતાવરણ, સ્વચ્છતા અને સફાઇ સંબંધિત સતત મુલ્યાંકન કરવાની અને પિઅર રિવ્યુ (સમીક્ષા) કરવાની ટેવો વિકસાવવી તેમજ જાહેર સ્વાસ્થ્ય સંબંધિત હકારાત્મક પરિણામો મેળવવા જાહેર સ્વાસ્થ્ય સુવિધાઓમાં સ્વચ્છતામાં સુધારો લાવવાની ટકાઉ રીતોનું નિર્માણ કરવું સાથે સાથે અન્યને પણ આ રીતો વિશે માહિતગાર કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીયકક્ષાના આ એવોર્ડ મેળવવા માટે આરોગ્ય સંસ્થા-સુવિધાનો નિભાવ, સ્વચ્છતા અને વ્યક્તિગત સફાઇ, કચરાનું વ્યવસ્થાપન, ચેપ નિયંત્રણ, સહાયક સેવા, વ્યક્તિગત સફાઇને ઉત્તેજન જેવા માપદંડો જરૂરી છે.
વધુમાં નેશનલ હેલ્થ મિશન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કાયાકલ્પનું ઇમ્પ્લીમેન્ટેશન મેડીકલ કોલેજ હોસ્પિટલ, સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ, ડેન્ટલ કોલેજ, મેન્ટલ હોસ્પિટલ, ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સામુહીક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન સામુહીક આરોગ્ય કેન્દ્ર, અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે આરોગ્ય સંસ્થાઓમાં આ એવોર્ડ મેળવવા માટેની કામગીરી કરવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"









