માતર તાલુકાના લીંબાસી અને માલાવાડા ખાતે
ઘો-૧ના ૨૦૧ અને ઘો-૯ના ૧૯૪ કુમાર-કન્યાઓને કરાવાયો
નડીઆદ- કોઇપણ સમાજ શિક્ષણ હશે તો સમાજ રાજયનો વિકાસ થશે. શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા રાજય સરકારે શાળામાં શાળાના ઓરડા, શિક્ષકો, કોમ્પ્યુટર, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, સ્માર્ટ ક્લાસ જેવી આધુનિક ટેક્નોલોજી સહિતની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આમ, રાજયનું કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને સો ટકા નામાંકન થાય તે માટે રાજય સરકાર કટિબધ્ધ હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહયું હતું.
આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના બીજા દિવસે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે માતર તાલુકાના લીંબાસી અને માલાવડા ખાતે ઘો-૧ના ૧૦૪ કુમાર અને ૯૭ કુમારીકાઓ મળી કુલ ૨૦૧ અને ઘો-૯ના ૧૦૨ કુમાર અને ૯૨ કુમારીકાઓ મળી કુલ ૧૯૪ વિધાર્થીઓને પ્રજ્ઞાકીટ અને પુસ્તકો આપીને પ્રવેશ કરાવ્યો હતો.
અશ્વિનીકુમારએ શિક્ષકોને શાળામાં અભ્યાસ અર્થે આવતાં બાળકોમાં કોઇને કોઇ શક્તિ છુપાયેલી હોય છે. તે શક્તિઓને પીછાણીને બાળકોમાં રહેલી આ શક્તિઓને નીખારવાનું કામ કરવા સુચવ્યું હતું.
તેમણે બાળક જયારે શાળાથી ઘરે આવે ત્યારે વાલીઓએ બાળકને શાળામાં આજે શું ભણાવ્યું, કઇ પ્રવૃતિ કરાવી તે બાબતથી વાકેફ થવાની ટકોર કરી શિક્ષકોને અભ્યાસમાં નબળા હોય એવા બાળકોની વિશેષ કાળજી રાખવા અને આવા બાળકો માટે શાળા સમય સિવાય પણ અભ્યાસ વર્ગોનું આયોજન કરવા સુચવ્યું હતું.
આ પ્રસંગે અશ્વિનીકુમારના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ઘો-૩ થી ૮ના તેજસ્વી વિધાર્થીઓને પુસ્તકો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘો-૯માં પ્રવેશ મેળવનાર બાળાઓને સાયકલો પણ એનાયત કરી હતી અને શાળામાં પ્રવેશ મેળવનાર દિવ્યાંગ બાળકનું વિશેષ સન્માન કર્યું હતું.
પ્રારંભમાં શાળાની બાળાઓ દ્ધારા યોગ નિદર્શન રજુ કરવામાં આવ્યું હતું. જયારે અમૃત વાંચન અંતર્ગત શાળાની બાળાઓએ સ્વચ્છતા, પર્યાવરણ, બેટી બચાવો – બેટી પઢાવો ઉપર ખુબ સરસ વક્તવ્ય રજુ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર પોતાની સાથે લઇને આવેલ કીટ ઘો-૧માં પ્રવેશ મેળવનાર બાળકોને આપવા માટે શાળાના આચાર્યને આપી હતી.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.એમ.ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી કન્યા કેળવણીનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી કાર્યાલયના ઉપસચિવ પરાગભાઇ શુક્લ, સરપંચઓ, શાળા સંચાલક મંડળના પ્રમખઓ, સભ્યઓ, ગ્રામજનો, વાલીઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





