તેરના આંકડાને અપશુકનિયાળ માનનારાઓની સંખ્યા ઓછી નહીં હોય. તેરનો આંકડો આપણામાં આટલો બધો ઘર કેમ કરી ગયો હશે અથવા તો તેરના આંકડાથી લોકો થરથર ધ્રૂજતા કેમ હશે એની પિંજણમાં ન પડીએ તો પણ તેરના આંકડાએ જેમને દુઃખી કર્યા હોય એના કિસ્સા જાણીને મજા પડી જતી હોય છે, પરંતુ એની આડઅસર એ પણ છે કે ફરી તેરના આંકડાને અપશુકનિયાળ માનવા માંડીએ છીએ.
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેરનો આંકડો નડી ગયેલો. એકવાર નહીં બબ્બેવાર. ૧૯૯૬માં ભારતીય જનતા પક્ષના પ્રથમ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકાર તેર દિવસમાં જ ઊડી ગઈ હતી. ૧૬મી મેના રોજ શપથ ગ્રહણ કરનારી અટલ બિહારી વાજપેયીની સરકાર લોકસભામાં બહુમતી પુરવાર નહીં કરી શકી. બીજીવાર ૧૯૯૮માં અટલજી લોકસભામાં બહુમતી પુરવાર કરવામાં નિષ્ફળ ગયા, પરંતુ આ વખતે તેરમો મહિને અટલ બિહારી વાજપેયીની ભાજપી સરકારનું તેરમું થઈ ગયું હતું.
તેરનો આંકડો અપશુકનિયાળ હોવાની વાત એટલે યાદ આવી ગઇ કે આ વખતે મધ્ય પ્રદેશની વિધાનસભાની રસાકસીભરી ચૂંટણીમાં એમપીના મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણને પણ આ આંકડો આભડી ગયો અને તેમણે મુખ્ય પ્રધાનપદ ગુમાવ્યું. શિવરાજ ચૌહાણે મધ્ય પ્રદેશમાં ભાજપની સરકારનું તેર વર્ષ સુધી સીએમ તરીકે સુકાન સંભાળ્યું અને અંતે તેર વર્ષ અને તેર દિવસના કાર્યક્રમ બાદ શિવરાજે રાજીનામું આપ્યું. શિવરાજ ચૌહાણને બે વાર તેરના આંકડા ભારે પડ્યા.
તેરના આંકડાને શુભ કે અશુભ માનવામાં ન પડીએ, પરંતુ એક વાત નિશ્રિ્ચત છે કે શિવરાજ ચૌહાણે કદાચ એકલે હાથે કાંગ્રેસને જબરદસ્ત ટક્કર આપી.
ચૂંટણીના ચાર દિવસ પહેલા ભલે તેમણે એવું કહ્યુ કે, મધ્ય પ્રદેશમાં ભાજપનો જવલંત વિજય થશે, પરંતુ તેમને જૂન મહિનાથી જ પરિસ્થિતિનો અંદાજ આવી ગયેલો અને કદાચ એટલે જ એમણે મહિલાઓ માટે ‘લાડલી લક્ષ્મી’ ક્ધયાદાન યોજના અને મુખ્ય પ્રધાન તીર્થદર્શન યોજનાઓથી મહિલાઓ અને બુજુર્ગોના દિલ જીતી લીધા હતા.
કાંગ્રેસ પણ શિવરાજ ચૌહાણની લોકપ્રિયતા અને ઉજળી પ્રતિમાથી સુપેરે પરિચિત હતી. આથી કાંગ્રેસે કમલનાથ જેવા કાંગ્રેસી મુત્સદ્દી – મહારથીને કામે લગાડયા. કમલનાથને જયોતિર્યાદિત્ય સિંધિયા જેવા યુવા નેતાનો સાથ સહકાર મળ્યો. આ બંનેની રણનીતિઓનો લાભ કાંગ્રેસને મળ્યો એમાં બે મત નથી, પરંતુ ભાજપના બે કદાવર બેવફા નેતાઓ રામકૃષ્ણ કુસુમરિયા અને સરતાજ સિંહે પણ ભાજપને પછાડવામાં ઓછી ભૂમિકા નથી ભજવી.
અસંતુષ્ટ રામકૃષ્ણ બાગી બનીને ભાજપની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતર્યા અને સરતાજ સિંહે છેલ્લી ઘડીએ કાંગ્રેસનો હાથ ઝાલી લીધો. ‘બ્રાન્ડ શિવરાજે’ ગઢ સાચવવાના શકય બધા જ પ્રયાસો કર્યા. રાજસ્થાનમાં વસુંધરા રાજે અને છત્તીસગઢમાં રમણ સિંહની સરખામણીમાં શિવરાજ ચૌહાણે છેલ્લે સુધી લડત આપી એની પ્રશંસા થવી ઘટે.
શિવરાજ મૂળભૂત રીતે સંઘના વફાદાર માણસ. મધ્ય પ્રદેશને વહાલું બનાવેલું, કેન્દ્રમાં જવાની કોઈ તમન્ના નહતી. મધ્ય પ્રદેશમાં તેમણે ચૂંટણી સભા સંબોધવાનું અવિરત ચાલુ રાખ્યું. મોદીના ટેકાની ઈચ્છા રાખ્યા વિના બાકી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે ગુજરાત કરતા ઘણી ઓછી ચૂંટણી સભા મોદીસાહેબે સંબોધી હતી. શિવરાજે મોદી – અમિત શાહ પાસેથી ઝાઝી આશા છોડી દીધેલી. તેમણે એકલે હાથે ગઢ બચાવવાનો મક્કમ નિર્ધાય કર્યો હતો અને પરિણામ જૂઓ. ૨૩૦ સીટમાંથી ભાજપને ૧૦૯ બેઠક અને કાંગ્રેસને ૧૧૪ સીટ મળી. બહુમતી માટે ૧૧૬ સીટ જરૂરી છે. આમ ભાજપને સાત બેઠકો ઓછી પડી.
શિવરાજને પોતાની મહેનત અને રાજકીય કૂનેહ પર શ્રદ્ધા હતી. ‘ધરતી પુત્ર’ તરીકેની ઈમેજ ધરાવતા અને લોકોમાં ‘મામા’ તરીકે ઓળખાતા શિવરાજ મૃદુભાષી હતા. કાંગ્રેસે શિવરાજનું નામ વ્યાપમ કૌભાંડમાં ઘણું ખરડ્યું હતું, પરંતુ સીબીઆઇએ તેમને ક્લીન ચિટ આપી હતી. ખેડૂત કુટુંબમાં જન્મેલા શિવરાજને મહિલાઓ ‘ભાઈ’ કહીને સંબોધતી. શિવરાજના ભાષણોમાં ખોટું વાક્ચાતુર્ય નહીં, પણ સચ્ચાઈ રણકતી. પોતે એક દેશી-દેહાતી માણસ છે એનો ખયાલ તેમણે હંમેશાં રાખ્યો હતો.
સરહદ પર બચી ગયેલા એકમાત્ર જાંબાઝ સૈનિકની જેમ શિવરાજ છેલ્લે સુધી ચૂંટણી મોરચે લડતા રહ્યા હતા. એકિજટ પોલને બીજે દિવસે પત્રકારોએ તેમને ભાજપ – કાંગ્રેસ વચ્ચે કટ્ટર સ્પર્ધાની વાત કરી તો તેમણે ‘અબ કી બાર ૨૦૦ પાર’નું સૂત્ર ગજાવ્યું હતું.
૨૦૦ સીટ મળશે એવો એમને આત્મવિશ્ર્વાસ હતો, પરંતુ મધ્ય પ્રદેશ કંઇક અલગ જ ઈતિહાસ રચવાના મૂડમાં હતું.
રાજીનામું સુપરત કરતી વખતે તેમણે અટલજીની પંકિતઓને યાદ કરી હતીઃ
ના હાર મેં, ના જીત મેં, કિંચિત નહીં ભય ભીત મેં
કર્તવ્ય પથ પર જા ભી મિલા, યે ભી સહી વો ભી સહી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



