શ્રીનગર,તા.૧
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં સોમવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ગોળીબાર લશ્કર-એ-તૈયબાના ચાર આતંકવાદીઓને ઠાર કરાયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એકે રાયફલ્સ, એક એસએલઆર અને એક પિસ્તલ જપ્ત કરાઇ છે. હાલમાં સુરક્ષા દળો દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. માનવામાં આવી રહ્યું છે કે હાલમાં આ વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદીઓ છૂપાયેલા હોઈ શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ની ૪૪ આરઆર બટાલિયન, સેના અને એસઓજી દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ કાર્યવાહી હેઠળ વિસ્તારમાં નાકાબંધી કરાઇ છે અને શોધ ચાલી રહી છે.
પુલવામાના લસ્સીપોરામાં આતંકવાદીઓ છુપાયા હોવાની પુખ્ત માહિતી મળ્યા પછી સુરક્ષા દળોએ આ અભિયાન શરૂ કર્યું છે. સુરક્ષા દળોએ જ્યારે શંકાસ્પદોને બહાર નીકળવા માટે કહ્યું ત્યારે ત્યાં છૂપાયેલા આતંકીવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. સૂત્રોનું કહેવું છે કે આ વિસ્તારમાં હજુ બે થી ત્રણ આતંકવાદી છૂપાયેલા હોવાની આશંકા છે.
આ અગાઉ જમ્મુ કાશ્મીરના રાજારી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે રવિવારે ભારે ગોળીબાર થઇ હતી. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું કે પાકિસ્તાની સૈનિકોએ નૌસેરા સેક્ટરમાં મોર્ટાર અને નાના શસ્ત્રોથી ગોળીબાર કર્યો હતો. આપણા સૈનિકોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



