આપણામાં એક કહેવત છેઃ ‘ખાડો ખોદે એ પડે.’ દેશભરમાં અને મુંબઈ મહાનગરમાં સતત ખોદાતા ખાડાઓમાં સરકાર પડતી નથી, સામાન્ય રાહદારીઓ, સામાન્ય માનવીઓ અવારનવાર પડે છે, મોતને ભેટે છે અને કાં તો ગંભીર ઈજા પામે છે. ખાડા ખોદવા માટે જવાબદાર સરકાર, સરકારી એજન્સીઓ, મહાનગરપાલિકાઓ, નેશનલ હાઈવૅયઝ આૅથોરિટી આૅફ ઈન્ડિયા, રાજ્યોના રોડ ડિપાર્ટમેન્ટો આંખ આડા કાન કરીને ખાડા ખોદવાનું કામ ચાલુ રાખે છે. પરંતુ સર્વોચ્ચ અદાલતે આ બધાની આંખ આડેની પટ્ટી ખોલી નાખતું નિરીક્ષણ કર્યું છે.
રોડ સેફ્ટી અંગેની સુપ્રીમ કોર્ટ કમિટીએ ચોંકાવનારો રિપોર્ટ ફાઈલ કર્યો છે અને એ અહેવાલની ગંભીર નોંધ સુપ્રીમ કોર્ટની જસ્ટીસ મદન બી. લોકુરના વડપણ હેઠળની બૅન્ચે લીધી છે. રિપોર્ટ વાંચીને સર્વોચ્ચ અદાલત ખુદ આંચકો ખાઈ ગઈ કે પાંચ વર્ષમાં ખાડાઓને લીધે થયેલા માર્ગ અકસ્માતમાં અંદાજે પંદર હજાર જણના મોત નિપજ્યા! કોર્ટ કહે છેઃ ‘આ હરગીઝ ચલાવી ન લેવાય, તદ્દન અસ્વીકાર્ય છે. આટલા મોત તો સરહદ પર ત્રાસવાદી હુમલાઓમાં પણ થતા નથી. આનો અર્થ એવો થયો કે સંબંધિત સત્તાવાળાઓ રસ્તાઓની જાળવણી યોગ્ય રીતે કરતા જ નથી.’
સર્વોચ્ચ અદાલત ખાડાઓને લીધે આટલી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા એ વાતે સરકારથી નારાજ છે. કોર્ટે તમામ રાજ્ય સરકારો સાથે ચર્ચા-વિચારણા-મસલત કર્યા બાદ કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટની કમિટીના રિપોર્ટનો પ્રતિસાદ આપવાની તાકીદ કરી છે.
દુઃખની વાત એ છે કે ખાડાઓમાં પડીને કે એને કારણે થયેલા માર્ગ અકસ્માતોમાં ઈજા પામેલાઓનો આંકડો જ ન હતો. સ્વાભાવિક રીતે જ ઈજાગ્રસ્તોનો આંકડો મૃત્યુ પામેલાઓ કરતા વધુ જ હોવાનો. અકારણ મરણ પામેલાઓના આપ્તજનોને વળતર મળવું જાઈએ એ વાતની પણ કોર્ટે નોંધ લીધી હતી. સામાન્ય રીતે અન્ય કોઈ કુદરતી દુર્ઘટનાઓમાં મૃત્યુ
પામેલાઓ માટે વળતરની જાહેરાતો થતી હોય છે, વળતર અપાય પણ છે, પરંતુ આવા કિસ્સાઓને સરકાર કે સંબંધિત સત્તાઓ નજર અંદાજ કરે છે. મુંબઈ નગરી ખાડા વિનાની ભાગ્યે જ કોઈએ જાઈ હશે. આજકાલ રસ્તાની બન્ને બાજુ ખોદકામ ચાલે છે. એકેય રસ્તો બાકી રાખ્યો નથી. આશ્ર્ચર્યની વાત એ છે કે મોટા ભાગના કિસ્સાઓમાં ખોદેલા રસ્તાઓ યોગ્ય રીતે બૂરવામાં આવતા નથી. કોન્ટ્રેક્ટરો કામ અધૂરાં મૂકીને બીજા માર્ગ પર ખાડા ખોદવામાં લાગી જાય છે અથવા તો ખાડાઓને ફરી જેવા હતા તેવા કરવામાં તેમને રસ નથી હોતો. અંતે સામાન્યજન દુઃખી દુઃખી થઈ જાય છે.
ખાડાઓને લીધે સર્જાતી ટ્રાફિકની સમસ્યાની વાત હાલ બાજુ પર રાખીએ તો પણ નિર્દોષોના અપમૃત્યુનો અહેવાલ, સુપ્રીમ કોર્ટનું નિરીક્ષણ અને વ્યથા મહ¥વનાં છે. સરકારને પ્રજાની જાનમાલની બિલકુલ ચિંતા નથી એ વાતનો આ પુરાવો છે.
ખાડા ખોદનારી સત્તાઓ, એજન્સીઓ માટે કોઈ નિયમ-કાયદા હોવા વિશે પણ શંકા જાગે છે. કદાચ નિયમો-કાયદા હશે તો તેનું ચુસ્ત પાલન થતું નથી. રસ્તાઓનું મજબૂત બાંધકામ થયું હોય તો તેની જાળવણીનું કામ સરળ રહે, પરંતુ પહેલું જ કામ બરાબર ન થાય તો પછીના કામમાં વેઠ જ ઊતરે ને!
ચોમાસા દરમિયાન રસ્તાઓની હાલત ઓર ખરાબ થતી હોય છે. વાહનચાલકોને માર્ગમાં પાણીથી ભરાયેલો ખાડો દેખાતો નથી. અંતે ગંભીર જીવલેણ અકસ્માતો સર્જાય છે. જાગો સરકાર જાગો. સુપ્રીમ કોર્ટનું તો સાંભળો. તમે ખાડા ખોદો છો ને એમાં પડે છે નિર્દોષો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



