૧૪ દેશોની ૧૦,૦૦૦ કિમીની સફર પૂર્ણ કરી આર્કટિક સર્કલ પર તિરંગો લહેરાવ્યો
સુરત, તા.૨૧
‘કદમ હો અસ્થિર જેના રસ્તો તેને જડતો નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી..’ આ પંક્તિને સાર્થક કરી છે મૂળ નવસારીના વતની અને યુ.કે.માં રહેતા એન.આર.આઈ. ભારૂલતા પટેલ કાંબલેએ. પોતાના બે પુત્રો પ્રિયમ અને આરૂષ સાથે સોલો કાર ડ્રાઈવિંગ કરી આર્કટિક સર્કલ પૂર્ણ કરનાર વિશ્વની પ્રથમ મહિલા બનવાનું ગૌરવ મેળવ્યું છે. ગુજરાતીઓના ગૌરવને વિશ્વસ્તરે ઉજાગર કરનાર ભારૂલતા કાંબલેએ ‘મમ વિથ ટુ કિડ્સ’ની થીમ પર ‘બેટી બચાવો, બેટી પઢાઓ’, કેન્સર જાગૃતિ અને સ્વચ્છતાના સંદેશ સાથે સોલો કાર પ્રવાસ કરીને ૨૭૯૨ કિમીનું અંતર માત્ર ૩૯ કલાકમાં પૂર્ણ કરી આર્કટિક સર્કલના ઉત્તરધ્રુવ પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
અદમ્ય સાહસનો પરચો કરાવનાર આ ગુજરાતી મહિલાએ આ અગાઉ વર્ષ ૨૦૧૬માં પણ ૫૭ દિવસમાં ૩૨ દેશોની ૩૫,૩૮૩ કિમીની સફર પૂર્ણ કરી હતી. એ સમયે તેઓ બીએમડબ્લ્યુ ઠ૩ માં સવાર થઇ ૭૫ દિવસની રોમાંચક સફર દરમિયાન આર્કટિક સર્કલ, બે ખંડ, છ ટેરેટોરિઝ, ૯ ટાઈમ ઝોન, ૩ રણ, ૯ પર્વત માળાઓ અને ૩૨ દેશોમાંથી પસાર થયા હતા. આ ઉપરાંત ઓગસ્ટ, ૨૦૧૭માં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના સંદેશ સાથે ગ્રેટ બ્રિટનના છેડાના બે વિસ્તારો- સાઉથવેસ્ટ, લેન્ડ્સ એન્ડ થી નોર્થઈસ્ટ સ્કોટલૅન્ડના જહોન ઓ ગ્રોટ્સ વચ્ચેની ૧૫૦૦ કિમીની નોનસ્ટોપ મુસાફરી માત્ર ૧૪ કલાક અને ૩૩ મિનિટમાં પૂર્ણ કરી ૭૦માં સ્વાતંત્ર્ય દિનની તેમણે અનોખી ઉજવણી પણ હતી.
ભારૂલતા કાંબલે પ્રથમ એવા સાહસિક મહિલા છે જે આર્કટિક સર્કલમાં કોઈ પણ બેક અપ વાહન કે ક્રુ મેમ્બરની સહાય વિના એક સોલો ડ્રાઈવર તરીકે ૧૪ દેશોનું ૧૦,૦૦૦ કિમીનું અંતર કાપીને ભારત પરત ફર્યા હતા. તેમના લક્ષ્યને પૂર્ણ કરવામાં તેમના પતિએ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો, અને મુસાફરીનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. સફર દરમિયાન ઘણા સેવાભાવી લોકોએ તેમના કાર્યથી પ્રભાવિત થઇ ચેરિટી ફંડ આપ્યું હતું, જેને તેમણે કન્યા અનાથાશ્રમનું સંચાલન કરતી સામાજિક સંસ્થા હેમરાજ ચિલ્ડ્રન હોમમાં ડોનેટ કર્યું હતું.
ભારૂલતા કેન્સરના રોગથી પીડિત
મહત્વપૂર્ણ વાત એ છે કે, ભારૂલતા કાંબલે કેન્સરના રોગથી પીડિત છે. બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહેલા ભારૂલતાએ મુસાફરી શરૂ કર્યાના બે મહિના પહેલા જ કેન્સર સર્જરી કરાવી છે. જેમાં તેમના શરીરનું એક અંગ પણ દૂર કરવામાં આવ્યું છે. સર્જરી પછીની સારવારની પીડા અને અસ્વસ્થતાને નજરઅંદાજ કરી તેમણે સ્ત્રી શિક્ષણ, કેન્સર અને કન્યા કેળવણી અંગે લોકોને જાગૃત્ત કરવાનું અભિયાન શરૂ કર્યું. તેમનો આ સંકલ્પ ‘મમ વિથ ટુ કિડ્સ’ અભિયાનમાં પરિણમ્યો. તેમના ૧૩ વર્ષીય પુત્ર પ્રિયમે મમ્મીના ડ્રાઈવિંગ સ્કિલનો ઉપયોગ કશુક નોખું-અનોખું કરવા માટે કરવા માટે સૂચવ્યું.
તાજેતરની તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલીએ તેમની સાહસપૂર્ણ સિદ્ધી બદલ વિશેષ સન્માન કર્યું હતું. તાજેતરમાં નવસારીના મહેમાન બની તેમણે જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયા સાથે પણ મુલાકાત કરી હતી.
આર્કટિક સર્કલના ઉત્તરધ્રુવ પર પહોંચી તિરંગો લહેરાવવાના લક્ષ્યને સાકાર કરવા તેમજ ‘બેટી બચાવો, બેટી પઢાઓ’, સ્વચ્છતા, ‘સે નો ટુ પ્લાસ્ટિક’ અને કેન્સર જાગૃત્તિના સંદેશ સાથે ભારૂલતા અને તેમના બે બાળકોએ અનેક વિષમ આબોહવા અને પ્રતિકૂળ વાતાવરણ સામે બાથ ભીડીને પ્રેરણાદાયી સિદ્ધી હાંસલ કરી છે.
વિદેશમાં રહેવા છતા ભારતીય સંસ્કૃતિ ભૂલી નથી !
નવસારી જિલ્લાના દાંડી નજીક જલાલપોર તાલુકાના આટગામના વતની એન.આર.આઈ. ભારૂલતાજી તેમની સિદ્ધી વિષે વાત કરતાં કહે છે કે, વિદેશમાં રહેવા છતાં ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી પરંપરાને ભૂલી નથી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વચ્છ ભારત અભિયાન’, ‘બેટી બચાઓ અભિયાન’ થી ભારે પ્રભાવિત છું. દેશમાં પરિવર્તન લાવવા માટે કંઇક અનોખું કાર્ય કરવું જરૂરી હોય છે, સાહસિકતા અને મુશ્કેલ કાર ડ્રાઈવિંગ માટે દેશ-વિદેશમાં મેં ખૂબ નામના મેળવી છે. જેથી કાર ડ્રાઈવિંગ કરી આર્કટિક સર્કલ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા બનવાનું સ્વપ્ન સેવ્યું હતું, જેને સાકાર કરવામાં હું સફળ રહી છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




