૩૦ એકર જમીનમાં રૂ.૫૦ કરોડના ખર્ચે વિદ્યાલય સાકાર થશે
સુરત, તા.૨૬
વન,આદિજાતિ અને પ્રવાસન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આજરોજ માંગરોળના વાંકલ ખાતે માનવ સંસાધન વિકાસ મંત્રાલયના શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા રૂ.૫૦ કરોડના ખર્ચે સાકાર થનારી જવાહર નવોદય વિદ્યાલયનું ભૂમિપૂજન સંપન્ન થયું હતું. મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજનો વાર્ષિક સમારોહ અને તેજસ્વી વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો.
આ પ્રસંગે વાંકલ સ્થિત સરકારી વિનયન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ આપતી જવાહર નવોદય વિદ્યાલયની કમી હતી. જેને ધ્યાને લઇ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યની કુલ ૭ નવોદય વિદ્યાલયોની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી ગામડાઓમાં રહેતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા નિખારવાની તક મળશે. ગુજરાતમાં ખાનગી કે સરકારી હેતુ માટે સરકારી જમીન નિઃશુલ્ક આપી ન શકાય તેવો નિયમ હાલમાં અમલી છે. પરંતુ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને પ્રજાના વિશાળ હિતને ધ્યાને લઇ આદિવાસી વિસ્તારોના બાળકોના શિક્ષણના હેતુ માટે ખાસ કિસ્સામાં જમીન ફાળવવા મેં રજૂઆત કરી, જેના કારણે મુખ્યમંત્રીશ્રીએ માત્ર વાંકલમાં જ નહીં, પરંતુ રાજ્યના સાત શહેરોમાં નવોદય વિદ્યાલયના નિર્માણ માટે નિઃશુલ્ક ૩૦ એકર જમીનની ફાળવણી કરી છે, એમ તેમણે ગર્વભેર જણાવ્યું હતું.
શ્રી વસાવાએ કહ્યું કે, આગામી શૈક્ષણિક સત્રથી ૫૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી વાંકલ નવોદય વિદ્યાલયમાં સી.બી.એસ.ઈ. લેવલનું શિક્ષણ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર એક વિદ્યાર્થી પાછળ વર્ષે દહાડે રૂ.૧ લાખનો ખર્ચ ભોગવે છે. અહી અભ્યાસ કરતો વિદ્યાર્થી તમામ ક્ષેત્રમાં પારંગત બનીને રાષ્ટ્રની ઉન્નતિમાં પોતાનું યોગદાન આપશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
જવાહર નવોદયના પુણે પ્રભાગના કમિશ્નરશ્રી રવિ કુમારે નવોદય વિદ્યાલયમાં વિશ્વસ્તરીય શિક્ષણ મેળવીને વર્ષે ૫૦ આઈ.એ.એસ. અને ૧૦૦૦ આઈ.આઈ.ટી. પાસ આઉટ વિદ્યાર્થીઓ દેશને પ્રાપ્ત થાય છે, જેઓ દેશને પ્રગતિના પંથે લઇ જવામાં અપ્રતિમ યોગદાન આપે છે એમ જણાવ્યું હતું. આ વેળાએ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના બલિદાનનું સ્મરણ કરી બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ, બાળ આયોગના ડિરેક્ટરશ્રી હર્ષદભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દિલીપસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ ગામીત, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન દીપકભાઈ વસાવા, પ્રાંત અધિકારીશ્રી એ.કે. બારીયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




