કાર્યક્રમ સંદર્ભે મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
વ્યારા, તા.૨૭
આગામી તા. ૩જી, માર્ચના રોજ સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનારા કરોડો રૂપિયાના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમને અનુલક્ષીને રાજયના આદિજાતિ વિકાસ, વન, પ્રવાસન અને મહિલા તથા બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં સોનગઢ મામલતદાર કચેરીના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજાઇ હતી.
બેઠકમાં મંત્રી વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમના સૂચારૂ આયોજન બાબતે તમામ અધિકારીઓએ તેમને સોંપેલી કામગીરી પરસ્પર સંકલનમાં રહીને પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી. કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરતા તેમણે ટુંક સમયમાં સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ કરવાની હોય તૈયારીઓમાં કોઇ કચાશ ન રહી તેની વિશેષ તકેદારી રાખવા તાકીદ કરી તેમણે સ્ટેજ, સભામંડપ, બેઠક વ્યવસ્થા, ર્પાકિંગની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વાગત, સાંસ્કૃતિક કાર્યક્રમો અંગે વિગતે સમીક્ષા કરી હતી. વધુમાં કાર્યક્રમને સુપેરે પાર પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગઠિત વિવિધ સમિતિઓની માહિતી મેળવી તમામ સમિતિઓ તેમને સોંપવામાં આવેલી કામગીરીને ચોકકસ સમયમર્યાદામાં પૂર્ણ કરે એવી અપેક્ષા વ્યકત કરી હતી.
બેઠકમાંજિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી, અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, પ્રયોજના વહીવટદાર વિજયભાઇ પટેલ, કાર્યપાલક ઇજનેર એ.જી.વસાવા, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીના સેનેટ મેમ્બર જયરામભાઇ ગામીત, જિલ્લા પંચાયતના સભ્ય અર્ચનાબેન વસાવા, અગ્રણીઓ રાજેન્દ્રસિંહ કુંવર, મહેન્દ્રભાઇ પટેલ, વ્યારા નગરપાલિકાના કારોબારી ચેરમેન રાકેશભાઇ કાચવાલા, અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



