સુરત,તા.૬
સબરસ ગરનાળા પાસે મંગળવારે રાત્રે ગમખ્વાર એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં અનાજ ભરેલા ટ્રકે બાઈક પર જઈ રહેલા પુરૂષ અને બે મહિલાને ટક્કર મારતાં તેઓ નીચે પટકાયા હતા. બાદમાં ટ્રકનું ટાયર ત્રણેયના પગ ઉપરથી ફરી વળ્યું હતું. જેથી ત્રણેયને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મહિધરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરાભાગળ હરિક્રિષ્ના સોસાયટી ખાતે રહેતાં નરેશભાઈ તુલશીભાઈ શેન (૩૫) તેની પત્ની કવિતા (૩૨) તથા બહેન તારા (૨૨) સાથે બાઈક પર કામ અર્થે નીકળ્યા હતાં. ત્યારે મંગળવારે રાત્રીના ૧૦.૫૦ વાગ્યાના સુમારે લંબેહનુમાન રોડ સબરસ ગરનાળા પાસેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એક બેફામ ઝડપે આવેલા ટ્રક ચાલકે અડફેટમાં લઈ લેતાં ત્રણેય રસ્તા પરથી નીચે પટકાઈ પડતાં વ્હીલ ફરી વળતાં પગ કચડાઈ જતાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ૧૦૮માં લોકોએ સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતાં. મહિધરપુરા પોલીસ મથકના પીએસઆઈ એસ.જે.મુચ્છારે જણાવ્યું હતું કે, નરેશ તેની પત્ની કવિતા અને બહેન તારા સાથે બાઈક પર જતો હતો ત્યારે તેને અનાજ ભરેલી ટ્રકે પાછળથી આવી સાઈડમાં ટક્કર મારી હોવાનું જણાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




