સુરત,તા.૬
કામરેજમાં એક વ્યક્તિની એક મહિલા ચંપલથી ધોલાઇ કરતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિ ઘણા સમયથી મહિલાને પરેશાન કરતો હતો. આખરે મહિલાએ પિત્તો ગુમાવતા આ વ્યક્તિની તેની ઓફિસમાં જઈને ધોલાઇ કરી હતી.
મહિલાએ આરોપ લગાવ્યો છે કે વ્યક્તિ તેને તેના સેલફોન પર બીભત્સ વીડિયો મોકલતો હતો તેમજ તેની પાસે અયોગ્ય માંગણી કરતો હતો. મહિલાના હાથનો માર ખાનાર વ્યક્તિનું નામ પ્રવીણ ધોરાજીયા હોવાનું માલુમ પડ્યું છે. આ વ્યક્તિ કામરેજમાં એક એનજીઓ ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે.
મહિલાએ પ્રવીણની ઓફિસમાં પહોંચીને તેની સાથે મારપીટ કરી હતી. મહિલાએ ધોલાઇ પહેલા પુરાવારૂપે પ્રવીણે તેને મોકલેલા વીડિયો બતાવ્યા હતા. ઓફિસમાં માર માર્યા બાદ પ્રવીણને જાહેરમાં રસ્તા પર લઈ જઈને પર ઠમઠોર્યો હતો.
બાદમાં મહિલા તેને કારમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે, કામરેજ પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને આવી કોઈ જ ફરિયાદ મળી નથી. વીડિયોમાં જાઈ શકાય છે કે વ્યક્તિ તેની ઓફિસમાં સોફા પર બેઠો છે. આ સમયે એક મહિલા બેથી ત્રણ પુરુષો સાથે પ્રવેશે છે અને તેની સાથે મારપીટ કરે છે. મહિલા તેને સતત ચંપલથી મારી રહી છે. જ્યારે તેની સાથે રહેલા વ્યક્તિઓ પણ તેની સાથે મારપીટ કરે છે. સામે આવેલા વીડિયો પરથી લાગી રહ્યું છે કે વ્યક્તિ મહિલાને આઈ લવ યૂ જેવા મેસેજ તેમજ વીડિયો અને ફોટોગ્રાફ્સ મોકલી રહ્યો હતો. હાલ સુરત શહેરમાં આ બનાવે ખૂબ જ ચર્ચા જગાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





