જાહેર સુરક્ષા અંગે સુરત પોલીસનું જાહેરનામું
સુરત, તા.૧૭
સુરત શહેરમાં શાંતિ અને સલામતિ વાતાવરણ જળવાઇ રહે અને લોકોની માલ મિલકતને નુક્શાન ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે સુરત શહેરના મદદનીશ પોલિસ કમિશનર (વિશેષ શાખા)શ્રી વિનય શુકલએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામાં પ્રમાણે સૂરત શહેરના સમગ્ર વિસ્તારમાં આવેલી તમામ બેંકો, તમામ એટીએમ સેન્ટરો, સોના- ચાંદી તથા કિંમતી ઝવેરાતની દુકાનો તથા શો રૂમ તથા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્સ, થિયેટર, શોપીંગ સેન્ટરો, કોમર્શિયલ સેન્ટર, હોટલ, ગેસ્ટ હાઉસ, લોજીંગ- ર્બોડિંગ, ધર્મશાળા, અતિથિ ગૃહ, વિશ્રામ ગૃહ તથા જ્યાં બહારના માણસોને રહેવાની સુવિધા પુરી પડાતી હોય તેવા સ્થળો તથા સ્થળો તથા બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔઘોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળોના માલિકો/ ઉપભોક્તાઓ/ વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોએ પ્રવેશ દ્વાર ઉપર પુરતા પ્રમાણમાં તાલીમ પામેલા માણસોને સીક્યોરીટી માટે મેટલ ડીટેક્ટર સાથે ફરજ ઉપર નિયુક્ત કરવાના રહેશે. પ્રવેશ દ્વાર ઉપર તથા બહાર નિકળવાના દ્વાર, રિશેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, ર્પાકિંગની જગ્યા તથા જાહેર પ્રજા માટે જ્યાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. સીસીટીવી કેમેરા સારી ગુણવત્તાવાળા, વધુ રેન્જના( માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય તથા વાહનના નંબર વાંચી શકાય તેવા) ગોઠવવાના રહેશે. સીસીટીવીના રેકોર્ડગના ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાના રહેશે. કેમેરા સતત ૨૪ કલાક કાર્યરત રહે તે જોવાની જવાબદારી માલિકો/ઉપભોક્તાઓ/ વહીવટકર્તાઓની રહેશે. કેમેરા તથા સીક્યુરીટી ગાર્ડની વ્યવસ્થા હાલ હયાત તમામ ઉપરોક્ત એકમોએ સાત દિનમાં ઉભી કરી દેવાની રહેશે. જ્યારે નવા શરૂ થતાં એકમોએ આ વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. આ જાહેરનામું તા.૫/૨/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




