દારૂબંધીના નિયમો નેવે મુકાયા…દારૂની પાર્ટી કરતા ૧૪ ઇસમો ઝડપાયા

0
90

પીપલોદની રેવ પાર્ટી બાદ સુરતમાં વધુ એક દારૂની પાર્ટી પર પોલીસની રેડ
સુરત,તા.૨૨
સુરતમાં હજુ તો હાઇપ્રોફાઇલ મહિલાઓની દારૂની પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યાની માહિતી બાદ વધુ એક દારૂની મહેફિલ માણતા લોકો ઝડપાયા છે. આમ જાતા એવુ લાગે છે કે સુરતમાં દારૂબંધીના નિયમોની ઐસી કી તૈસી થઇ રહી છે. એક જ રાતમાં દારૂની મહેફિલ માણતી બે પાર્ટીઓ પર રેડ પડાઇ છે.
સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા સિલ્વર એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે અઠવાલાઇન્સ પોલીસની ટીમે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. જ્યાં ૬ મહિલા અને ૮ પુરુષ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે તમામની ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશને લઇ ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી દારૂની પાંચ બોટલો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. આખી રાત આ તમામને પોલીસસ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે સુરતમાં જાણે દારૂબંધીના નિયમોની ઐસી કી તૈસી થઇ રહી હોય એમ એક જ રાતમાં દારૂની બે મહેફિલ પકડાઇ હતી. એક જ શહેર હોવા છતાં બે પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ નિયમો લાગતા હોય એવું નજરે ચઢે છે. ‘ગોલ માલ હૈ સબ ગોલ માલ હૈ’ જેવો ઘાટ ઘડાયો છે. પીપલોદ વિસ્તારમાંથી પકડાયેલી હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલમાં મહિલાઓને જવા દીધી હતી. તો અઠવાલાઇન્સ પોલીસે પકડેલા મહિલા-પુરુષોને આખી રાત પોલીસ સ્ટેશનમાં જ બેસાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાત્રે પીપલોદની ઓઇસ્ટર હોટલમાં કેટલીક મહિલાઓ મહેફિલ માણી રહી છે એવી બાતમી મળતાની સાથે જ ઉમરા પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. અહીંથી દારૂની મહેફિલ માણતી ૨૧ મહિલાઓ પકડાઈ હતી. એ સાથે જ બિયર અને વોડકાની પાંચ-છ બોટલ પણ કબજે કરાયાનું જાણવા મળ્યું છે. મહેફિલમાં ૪૦ મહિલા હોવાની શક્યતાએ સમગ્ર સુરતમાં ચકચાર મચાવી દીધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY