પાણી, વીજળી અને રસ્તા એ વિકાસનું પ્રથમ પગથિયું છે ઃ મહેસૂલમંત્રી
સુરત, તા.૨૫
સુરત શહેરી વિકાસ સત્તા મંડળ- સુડાના રૂ. ૩૬.૩૩ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના મહેસુલમંત્રીશ્રી કૌશિકભાઈ પટેલના હસ્તે આજરોજ સંપન્ન થયું હતું. જેમાં રૂ.૧૯.૩૯ કરોડના ખર્ચે સીમાડા જંકશનથી નેશનલ હાઇવે-૪૮ સુધીના કેનાલ રોડને બંને તરફે ટુ-લેન થી થ્રી-લેન પહોળો કરવાની કામગીરી, રૂ.૬.૫૨ કરોડના ખર્ચે ખોલવડ-ભાદા રોડથી સુરત-કામરેજ સ્ટેટ હાઇવેને જોડતા ૧૫.૦ મીટરના રસ્તાની પહોળાઈની કામગીરી, રૂ. ૮.૦૪ કરોડના ખર્ચે લસકાણા પાટીયાથી ખોલવડ ગામ સુધીનાં સિંગલ લેન રસ્તાને ટુ-લેનમાં પહોળો કરવાની કામગીરી તેમજ રૂ. ૨.૩૮ કરોડના ખર્ચે નવાગામના ૭.૫૦ મીટરના રસ્તાની પહોળાઈના કાર્ય મળી કુલ રૂ. ૩૬.૩૩ કરોડના વિકાસ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે લસકાણા-ખોલવડ રોડ સ્થિત એન્જલ પેલેસ ખાતે આયોજિત સમારોહમાં મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિકાસને વરેલી રાજ્ય સરકારે ગુજરાતના દરેક શહેરો, નગરો અને ગામડાઓમાં વિકાસના ફળો પહોચાડ્યા છે. વિકાસનું પ્રથમ પગથિયું પાણી, વિજળી અને રસ્તા છે એમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, માત્ર વિકાસની વાતો નહી, પરતું નરી આંખે દેખાય તેવા વિકાસના કાર્યો રાજ્યમાં થઇ રહ્યા છે. વિકાસની ક્રાંતિ પ્રજાહિત જોનારી સરકાર અને સક્ષમ-જાગૃત જનપ્રતિનિધિના કારણે શક્ય બને છે, જેને રૂ. ૩૬.૩૩ કરોડના વિકાસ પ્રકલ્પોને રાજ્ય સરકારને રજૂઆત કરી આ વિસ્તારની જનતા માટે ભેટ ધરી સ્થાનિક ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાએ સાબિત કર્યું છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, પાણી અને વિજળીની સુવિધા મર્યાદિત અને સ્થાનિક વિસ્તાર માટે લાભદાયક બને છે, જ્યારે રોડરસ્તાની સુવિધા ૨૫૦થી ૩૦૦ કિ.મી.ના બહોળા વિસ્તારની પ્રજાને ઉપયોગી બને છે. ભારતના સૌથી ઝડપી ગતિએ વિકસતાં શહેરોમાં સુરત મોખરે હોવાનું ગૌરવ ધરાવે છે, ત્યારે આ શહેરને છાજે તેવા વિકાસકાર્યો કરી શહેરને વધુ ગૌરવશાળી બનાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું.
આ વેળાએ શ્રી પટેલે મહેસુલમંત્રીએ ખોલવડના સ્થાનિક રહીશોની જાતમુલાકાત લઇ તેમની સાથે હળવી પળો વિતાવી હતી. તેમણે મહિલાઓની ભરતકામ અને સાડીમાં સ્ટોન લગાવવાની કામગીરીને રસપૂર્વક નિહાળી હતી. આ પ્રસંગે ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાવાડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિતીબેન પટેલ, સુડાના ઇન્ચાર્જ સી.ઈ.ઓ.શ્રી અરોરા સહિત સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



