સ્ટેટ વિજીલન્સ પોલીસે કુખ્યાત બુટલેગર લાલાનો દારૂ ઝબ્બે કર્યો
સુરત, તા.૧૬
ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમે લોકસભા ઈલેક્શન પહેલાં મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં ૨૫૦થી વધુ દારૂની પેટીઓ મળી આવી હતી. અને બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી દરમ્યાન દારૂનો ઉપયોગ થવાનો હોવાની શક્યતા છે.
લોકસભા ઈલેક્શન પહેલાં સુરતના ઉધના વિસ્તારમાંથી સ્ટેટ વિજિલન્સની ટીમે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસથી બચવા માટે પેટ્રોલના ટેન્કરમાં દારૂ ભરી લાવવામાં આવ્યો હતો. પેટ્રોલ ટેન્કરમાંથી ૨૫૦થી વધુ દારૂની પેટીઓ મળી આવી હતી. દરમિયાન સ્થાનિક અને શહેરની પોલીસ ઉંધતી ઝડપાઈ હતી. અને સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ દ્વારા ૧૭ લાખના દારૂ અને ટેન્કરને કબ્જે કરી બે આરોપીની ધરપકડ કરી હતી
સ્ટેટ વિજીલન્સ પીએસઆઈ એ.વાય. બલોચના જણાવ્યા અનુસાર ટેન્કર નં.જીજે-૬-એટી-૯૦૯૩માં વિદેશી દારૂની હેરાફેરી થવાની બાતમી મળી હતી. ભારતીય બનાવટની એપીસોડ ક્લાસીક વ્હીસ્કીની ૪૨૬૭ નંગ બાટલી કિંમત ૧૭.૦૬ લાખ અને ટેન્કર કિમત ૧૨ લાખ મળી ૨૯.૧૨ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે. ઉધના રોડ નંબર ૬ પાવર સબ સ્ટેશન પાસે સંજયનગર ખાતે રાજમોહંમદ ઉર્ફે રાજુ પ્લાસ્ટિક સૈયદ તથા મહંમદ રીયાઝ મહંમદ રફીક શેખની ધરપકડ કરવામાં આવી છે. દારૂનો જથ્થો મંગાવનાર સફીકુદ્દીન ઉર્ફે લાલા તારીકુદ્દીન ફારૂકી, લાલાનો ભાઈ સોહેલ અને સરીફ ત્રણે રહે. ઉધના રોડ નં.૬ સુરતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. દારૂનો આ જથ્થો લોકસભા ચૂંટણી દરમ્યાન ઉપયોગમાં લેવાનો હોવાની સ્ટેટ વિજીલન્સ ટીમને આશંકા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




