જંગલી ભૂંડે હુમલો કરતાં યુવાનનું મોત નીપજ્યું

0
26

સુરત,તા.૧૬
સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં આંબાપુર ગામનો યુવાન માંકણઝર ગામની સીમમાં આવેલ ખેતરમાં પાણી વાળી રહ્યો હતો. તે દરમ્યાન જંગલી ભૂંડે અચાનક તેની ઉપર હુમલો કરતાં યુવાનને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં આંબાપુર ગામે નિશાળ ફળિયામાં રહેતા સુરેશભાઇ ફતેસિંગભાઈ વસાવા માંડવી તાલુકાનાં માંકણઝર ગામની સીમમાં લાખી ડેમની બાજુમાં આવેલ બાજરાના ખેતરમાં પાણી વાળી રહ્યા હતા. તે દરમ્યાન ત્યાં એક જંગલી ભૂંડ આવી પહોંચ્યું હતું. અને તેણે સુરેશભાઇ ઉપર અચાનક હુમલો કર્યો હતો. અને આ હુમલામાં સુરેશભાઇને ડાબા પગની જાંઘમાં તેમજ જમણી સાઇડે પાંસળીના ભાગે ઇજા પહોંચાડતા તેને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. બનાવ અંગે માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY