સુરત,તા.૧૯
ઇસ્કોન મંદિર, જહાંગીરપુરા ખાતે દીક્ષા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં ૧૪૦ હરિભક્તોએ દીક્ષા ગ્રહણ કરી હતી. જેમાંથી સાત બ્રહ્મચારી સહિત ૧૬ બ્રાહ્મણ અને ૧૨૪ હરિ નામ દીક્ષા આપવામાં આવી હતી.
ઇસ્કોન મંદિરના દિલીપભાઈના જણાવ્યા મુજબ સંન્યાસી ગોપાલકૃષ્ણ ગોસ્વામીએ તમામને દીક્ષા આપી હતી. જેમાં સુરત ઉપરાંત વાપી, મીરાંરોડ-મુંબઈ, અમદાવાદના હરિભક્તોનો સમાવેશ થાય છે. બે વર્ષ પૂર્વે ઇસ્કોન મંદિરે યોજાયેલા દીક્ષા મહોત્સવમાં ૧૨૫ હરિભક્તોએ દીક્ષા ગ્રહણ કરી હતી.
ઇસ્કોન મંદિરની પરંપરામાં બે પ્રકારની દીક્ષા અપાઈ છે. એક છે હરિ નામ દીક્ષા, બીજી બ્રાહ્મણ દીક્ષા. હરિ નામ દીક્ષા ગ્રહણ કરનારી વ્યક્તિએ પ્રતિદિન હરિ નામની એટલે કે હરે રામ હરે કૃષ્ણની ૧૬ માળા કરવાની હોય છે. ઉપરાંત વ્યભિચાર, દારૂ, જુગાર, માંસનો ત્યાગ કરવો જરૂરી છે. સતત ૫ વર્ષ સુધી આ કાર્યવાહી કર્યા બાદ તમામનાં ઇન્ટરવ્યૂ લેવાઈ છે. ૧૭૫ લોકોના ઇન્ટરવ્યૂ લેવાયાં જેમાંથી ૩૫ પરીક્ષામાં નાપાસ થતાં દીક્ષા અપાઇ ન હતી. બ્રાહ્મણ દીક્ષા ગ્રહણ કરનારાઓ નીજ મંદિરમાં સેવા-પૂજા કરી શકે. ભગવાનના પ્રસાદ માટે ભોગની વસ્તુ બનાવી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





