સુરત,તા.૨૨
નંદુરબારથી પૌત્ર અને પૌત્રીને સાથે લઈ બાઈક પર નીકળેલા શ્રમજીવી દંપતીની બાઇકને સચિન રેલવે ઓવર બ્રિજ પર ક્રેનચાલકે અડફેટમાં લેતા નાની અને પૌત્રીના મોત નિપજ્યાં હતા. જ્યારે નાના ગંભીર રીતે ઘવાયા હતા. આ અકસ્માતમાં બાઇક પર સાથે સવાર ૮ વર્ષીય પૌત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત બાદ ક્રેનનો ડ્રાઇવર ઘટના સ્થળે જ ક્રેન મૂકી નાસી છૂટ્યો હતો.
સચિન જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભીમરાડ ખાતે નિર્માણાધિન આગમ હાઇટ્સની સાઇડ પર રહેતા તેમજ મુળ નંદુરબારના રહેવાસી ગુલાબ ફુલજી પાડવી (૪૮) કન્સટ્રક્શન સાઇટ પર મજૂરી કામ કરે છે. ધાર્મિક પ્રસંગ હોવાથી તેઓ થોડા દિવસ પહેલા વતન ગયા હતા. શનિવારે સવારે ગુલાબ પાડવી તેમની પત્ની મલ્લુબેન ઉર્ફે સવિતા પાડવી પૌત્ર તનય ઉમેશ વળવી (૮) અને ૮ મહિનાની પૌત્રી વેદિકા શંકર નાઇક એક બાઈક પર તેમજ પુત્રી સરિતા અને જમાઈ શંકર બીજી બાઇક પર સુરત આવવા માટે નીકળ્યા હતા. તેઓ સચિન રેલવે ફ્લાય ઓવર બ્રિજ પરથી પસાર થતા હતા. ત્યારે ગુલાબભાઈની બાઇકને પાછળથી પુરઝડપે આવતી ક્રેનના ચાલકે અડફેટમાં લઈ લીધા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




