દિલ્હીમાં મેયર જગદીશભાઈ પટેલïને એવોર્ડ એનાયત કરાયો
સુરત, તા.૨૬
સુરત મહાનગરપાલિકાને રિન્યુએબલ એનર્જી માટે એવોર્ડ ફરી એક વખત રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળ્યો છે, દિલ્હી ખાતે એક સમારોહમાં સુરતના મેયર અને માનપાના અધિકારીઓની ટીમે એવોર્ડ સ્વિકાર્યો હતો. હાઉસિંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા દેશભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ પ્રાકૃતિક ઉર્જા ક્ષેત્રે જે કામગીરી કરે છે, તેને ધ્યાનમાં લઇ એવોર્ડ આપવામાં આવે છે.
વર્ષ ૨૦૧૮-૧૯ માટે હુડકો દ્વારા દેશભરમાંથી નોમિનેશન મંગાવવામાં આવ્ય હતાં. જેમાં ‘ટુ ઈમ્પ્રુવ ધ લિવિંગ એન્વાયરમેન્ટ’ હેઠળ સુરત મહાનગરપાલિકાને અન્ડર ધ થીમ ઓફ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ, એનર્જી કન્ઝર્વેશન એન્ડ ગ્રીન બિલ્ડિંગ માટે પંસદ કરવામાં આવી હતી. એટલે કે એનર્જી સિક્યુરિટી એફર્ટ માટે સુરત મનપાની પસંદગી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે સુરત મહાનગર પાલિકા કામગીરી માટે જે ૧૦૦ ટકા વિજળીનો ઉપયોગ કરે છે તેમાં પવનચક્કી અને સૂર્ય ઉર્જાનો ૩૪ ટકા ભાગ છે. મનપા પવનચક્કીનો ૩૨ અને સોલર પાવરનો ૬ મેગાવોટનો પ્લાન્ટ ધરાવે છે.
સુરત મહાનગરપાલિકા આગામી વર્ષમાં વધુ ૨ મેગાવોટનો રૂફટોપ સોલાર પ્લાન્ટ નાંખવા જઈ રહી છે, જેથી કુલ ઉત્પાદન ૮ મેગાવોટ પર પહોંચશે. એક મેગાવોટનો પ્લાન્ટ નાખવાનો કેપિટલ ખર્ચા ૬ થી ૭ વર્ષમાં પાછો મળી જાય છે, સામાન્ય રીતે સોલાર પેનલની લાઈફ ૨૫ વર્ષની હોવાથી લાંબા ગાળે ફાયદો થતો હોય છે. રૂફટોપ સોલારથી મનપાને વાર્ષિક રૂ.૫.૨ કરોડનો લાભ થાય છે. રૂફટોપ સોલાર ઉપરાંત વિન્ડ પાવરમાં ૩૨ મેગાવોટ અને બાયોગેસમાં ૫ મેગા વોટ વિજળીનું ઉત્પાદન કરી પાલિકા વર્ષે ૪૫ કરોડની બચત કરે છે.
આગામી વર્ષોમાં મનપા ૫૦ ટકા જેટલો વીજ વપરાસ પ્રાકૃતિક સ્ત્રોત સુધી લઇ જવાનું આયોજન કરી રહી છે, જે હાલ ૩૪ ટકા છે. સુરત મહાનગરપાલિકા દેશની પ્રથમ મહાનગરપાલિકા છે જેને હવા, પાણી અને સુર્યપ્રકાશથી વિજળીનું ઉત્પાદન કરી પોતાનો આર્થિક બોજો ઘટાડી રહી છે. એક તરફ મહાનગરપાલિકા સોલાર એનર્જીનો ઉપયોગ કરી પોતાનો આર્થિક બોજો ઘટાડી રહી છે, તો બીજી તરફ સુરત શહેરના નગરિકો પણ સોલાર એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



