સુરત,તા.૨૬
દક્ષિણ ગુજરાતમાં જીએસટી નંબર લીધા બાદ રિટર્ન નહીં ભરનારા ડિફોલ્ડરને હવેથી ફોન કરીને રિટર્ન ભરવા માટે સમજાવવાનો નવતર પ્રયોગ શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવનાર છે. આ પ્રયોગ સફળ થયા બાદ સમગ્ર ગુજરાતમાં તેનું અમલીકરણ કરવામાં આવે તેવી શક્્યતાઓ સેવવામાં આવી રહી છે.
જીએસટી વિભાગના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરત રેન્જમાં જે પણ વેપારીઓએ જીએસટી નંબર લીધા હશે તેની યાદી તૈયાર કરવામાં આવીશે. તેમાં જે વેપારીઓ નિયમિત રિટર્ન ભરતા હોય પરંતુ એકાદ બે મહિનાથી રિટર્ન ભર્યા ન હોય તેમને કોલ કરાશે. આ વેપારીઓ પાસેથી રિટર્ન ભરવાનું કેમ રહીં ગયું તેના કારણો જાણી સમસ્યાના નિરાકરણ સાથે રિટર્ન ભરવા સમજાવાશે.
ટેલિકોલિંગથી સમજાવટ બાદ પણ રિટર્ન નહીં ભરાય તો નોટીસ આપી જીએસટી નંબર રદ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે. આ પ્રકારનો પ્રયોગ સમગ્ર રાજ્યમાં સૌથી પહેલાં સુરત ખાતેથી કરવામાં આવનાર છે. સુરતમાં જે રિસ્પોન્સ મળે તેનું એનાલીસીસ કર્યા બાદ તેમાં સુધારા વધારા કરી સમગ્ર રાજ્યમાં તેનું અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





