મિશનરી સોસાયટીના પુસ્તકો છાપવા માટે સુરતમાં ૧૮૨૦માં મિશન પ્રેસ શરૂ કરાયું હતું
સુરત, તા.૩૦
ઈ.સ.૧૯૭૫માં ઇંગ્લેન્ડમાં સ્થપાયેલી લંડન મિશનરી સોસાયટીના પાદરી ‘જેમ્સ સ્કીનર’ ઈ.સ.૧૮૧૫માં ૧૬મી સપ્ટેમ્બરના રોજ સુરત આવ્યા. ત્યારબાદ તેમના સહાધ્યાયી ‘વિલિયમ ફાઈવી’ પણ સુરત આવ્યા. સુરતમાં મુગલીસરા વિસ્તારમાં તેમણે લંડન મિશનરી સોસાયટીની સ્થાપના કર્યા બાદ સૌપ્રથમ ગુજરાતી ભાષા શીખ્યા અને ત્યારબાદ બન્ને પાદરીઓએ સાથે મળીને ઈ.સ.૧૮૧૮ સુધીમાં ગુજરાતી વ્યાકરણ અને શબ્દકોશ તૈયાર કરી નાંખ્યા જે પ્રસિદ્ધ થઈ શક્યા ન હતાં. પરંતુ તે વખતે મિશનરી સોસાયટીના પુસ્તકો છાપવા માટે મુંબઈ મોકલવામાં આવતા જેથી જેમ્સ સ્કીનર મુંબઈ જઈને પ્રિન્ટીંગ શીખી આવ્યા અને બન્ને પાદરીઓએ ઈ.સ.૧૮૨૦માં સુરતમાં મિશન પ્રેસ શરૂ કર્યુ. મુવેબલ ટાઈપ વપરાતું આ છાપખાનું આખા ગુજરાતમાં પહેલવહેલું પ્રિન્ટીંગ પ્રેસ હતું. મિશન પ્રેસ શરૂ થયા બાદ ગુજરાતી ભાષામાં બાઈબલના નવા કરારનો અનુવાદ આ છાપખાનામાં છપાઈને ઈ.સ.૧૮૨૧માં જુલાઈ મહિનામાં બહાર પડ્યો તયારપછી ત્રણ જ મહિનામાં તા.૩૦.૧૦.૧૮૨૧ના રોજ સ્કીનરનું અવસાન થયુ એટલે ફાઈવીના ભાઈ એલેક્ઝાન્ડર સુરત આવ્યા અને બન્ને ભાઈઓએ સાથે મળીને બાઈબલનાં જૂના કરારનો અનુવાદ કરવાનું કામ શરૂ કર્યુ અને ઈ.સ.૧૮૨૪માં સમગ્ર બાઈબલનો ગુજરાતી અનુવાદ સરળ બન્યો હતો.
ત્યારબાદ ઈ.સ.૧૮૨૯માં જુનો અને નવો કરાર એમ બન્ને સાથે મળીને આખુય બાઈબલ મોટા અક્ષરોમાં ચાર દળદાર ગ્રંથોમાં તૈયાર થયું. ઈ.સ.૧૮૪૬માં લંડન મિશનરી સોસાયટીએ સુરતનું દેવળ, પ્રેસ, સ્કૂલ અને મિશન હાઉસ સહિતની બધી જ મિલ્કત આઈ.પી. મિશનને સોંપી દીધી હતી. તે સમયે ગુજરાતી ટાઈપ બનાવવાનો પૂર્ણ વિકાસ થયો ન હતો અને જાડાક્ષર ટાઈપ બન્યા ન હતાં તેમજ કેટલાક અક્ષરોના ટાઈપ પ્રથમ વખત જ તૈયાર કરવામાં આવ્યા હતા. અહીં જ પ્રથમ ગુજરાતી ખ્રિસ્તી સામયિક ‘જ્ઞાનદીપક’ ૧૮૫૬ થી શરૂ થયું હતું. ત્યારબાદ ઈ.સ.૧૮૬૭માં જોસફ વાન સોમરન ટેલર દ્વારા તૈયાર કરવામાં આવેલું ગુજરાતી ભાષાનું વ્યાકરણ પ્રસિદ્ધ થયું. ગુજરાતીમાં લખાયેલું અને પિમના શબદોને બદલે તેમાં સંસ્કૃત શબ્દો ઉપયોગમાં લેવામાં આવ્યા હતા આથી જે.વી.એસ. ટેલરને ‘ગુજરાતી વ્યાકરણના પિતા’નું બિરદ મળયું છે. ઈ.સ.૧૮૭૩માં કવિ નર્મદનો ‘નર્મકોશ’ રોબર્ટ મંટગમરી દ્વારા સંપાદિ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ ગુજરાતી ડિક્ષનરી, ટી.સી. વેલ્સ દ્વારા તૈયાર કરાયેલી અંગ્રેજી પાઠમાળા ભાગ ૧ થી ૪ તેમજ વિવિધ શાળાઓની પરીક્ષાનાં પ્રશ્નપત્રો પણ આ જ પ્રેસમાં છાપવામાં આવતાં હતા. આ ઉપરાંત પણ અનેક મહત્ત્વનાં ગ્રંથો મિશન પ્રેસમાં છાપવામાં આવ્યા હતા. ગુજરાતનું આ સર્વપ્રથમ મિશન પ્રેસ કોઈક અગમ્ય કારણસર ઈ.સ.૧૯૫૯માં બંધ થઈ ગયું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




