સુરત,તા.૩૧
પત્નીને રિક્ષામાં બેસાડી ફરવા લઈ ગયા બાદ ઘરે પરત ફરતી વેળા હજીરા સચિન હાઇવે ઉપર પાંચ દિવસ અગાઉ રાત્રિના સમયે રીક્ષા ચાલક પતિએ પત્નીને બાજુમાં બેસાડી ‘તેરે કો રખને નહીં’ તું રિક્ષામાંથી કૂદી જા કહી ફેંકી દેતાં પત્નીને ઈજા થઇ હતી. સારવાર માટે હોÂસ્પટલમાં દાખલ પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સચીન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની ૨૨ વર્ષીય શિનુના લગ્ન મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતમાં પાંડેસરા ભકિતનગર પ્લોટ નંબર ૭૪માં રહેતા તેમજ રિક્ષા ચલાવતા શિવમ લક્ષ્મીકાંત મિશ્રા સાથે થયા હતા. ગત ૨૬મીની સાંજે શિવમ શિનુને રિક્ષામાં બેસાડી ફરવા લઈ ગયો હતો.
ફરીને તેઓ ઘરે પરત ફરતા હતા ત્યારે શિવમે શિનુને પોતાની બાજુમાં બેસાડી હતી. રાત્રે આઠ વાગે તેઓ હજીરાથી સચિન રોડ ઉપર દિપલી ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે શિવમે શિનુને કહ્યુ હતું કે ‘તેરે કો રખના નહીં હૈ તુ રિક્ષામાંથી કૂદી જા.’
પતિની વાત સાંભળી ચોંકી ઉઠેલી શિનુએ કુદવા ઇનકાર કરી દીધો હતો. આથી શિવમે ચાલુ રિક્ષાએ ઝઘડો કરી શિનુને ધક્કો મારી રોડ ઉપર ફેંકી દીધી હતી અને ભાગી છૂટ્યો હતો. શિનુને માથાના પાછળના ભાગે, ડાબા હાથે કાંડાના ભાગે, જમણા હાથે કોણીના ભાગે અને ડાબા પગના ઘૂંટણ ના ભાગે ઈજા થઈ હતી.
યેનકેન રીતે મદદ મેળવી શિનુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ અંગે શિનુએ ગતરોજ પતિ વિરુદ્ધ સચીન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એમ.એમ મૌર્યએ વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




