નક્સલગ્રસ્ત ક્ષેત્રના ૨૦૦ આદિવાસી યુવક-યુવતીઓ સુરતના મહેમાન બન્યા

0
363

ગુજરાતની શાંતિ-સલામતી અનુભવવા
નક્સલનો જવાબ ગોળીથી નહીં વિકાસથી અપાય છે : કેન્દ્રીય ગૃહ સચિવ
સુરત, તા.૩૧

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને સુરત જિલ્લા નહેરૂ યુવા કેન્દ્રના સંયુકત ઉપક્રમે ૧૧મા આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનો કામરેજના દાદા ભગવાન મંદિર ખાતે પ્રારંભ થયો હતો. કાર્યક્રમ અંતર્ગત છત્તીસગઢ અને ઝારખંડ રાજ્યના નકસલગ્રસ્ત વિસ્તારના ૨૦૦થી વધુ યુવક-યુવતિઓ બી.એસ.એફ અને સી.આર.પી.એફ.ના ૨૦ સુરક્ષા કર્મીઓ સાથે આજરોજ એક સપ્તાહ માટે સુરતના મહેમાન બન્યા છે.
એક સપ્તાહ દરમિયાન આ યુવક-યુવતિઓ સૂરત શહેર તથા જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત, ગુજરાતની કલા-સંસ્કૃતિનું આદાન-પ્રદાન, રહેણીકરણી, યોજનાકિય માહિતીઓની જાણકારી, રાજ્યની શાંતિ અને સલામતીના કારણે ગરવી ગુજરાતની અભૂતપૂર્વ પ્રગતિ, સંસ્કૃતિ, જીવનશૈલી, ભાષાની ઝાંખી કરશે.
આ પ્રસંગે મુખ્ય અતિથિ જિલ્લા પોલિસ વડાશ્રી અશોક મુનિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને એમાં પણ સુરત શહેર અને જિલ્લો શાંતિ અને સલામતીનું પ્રતિક રહ્યું છે. છત્તીસગઢ અને ઝારખંડ રાજ્યના નકસલગ્રસ્ત જિલ્લાઓના યુવામિત્રો રાજ્યની અભૂતપૂર્વ શાંતિ અને સુખાકારીની અનૂભૂતિ કરી પ્રગતિની શક્તિને સમજશે. તેમણે પોતાના વતન જઈ ગુજરાતની અસ્મિતાની સુવાસ ફેલાવવાનો સર્વ યુવાનોને અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અગ્ર સચિવ વિજય કુમારે જણાવ્યું હતું કે, નક્સલ પ્રભાવિત યુવાનો વિષમ પરિસ્થિતિમાંથી બહાર નીકળી અન્ય શાંત ગુજરતની શાંતિનો માહોલ અનુભવીને પોતપોતાના ગામ, શહેર અને જિલ્લામાં જઈ રાજ્યના વિકાસથી સૌને પરિચિત કરાવે એ માટેનો યુથ એક્સચેન્જનો આ પ્રયાસ છે. નકસલવાદનો જવાબ બંદૂક અને ગોળીથી નહિ, પરંતુ શિક્ષણ, વિકાસ અને વિચારધારાથી આપવામાં આવી રહ્યો છે એમ જણાવી તેમણે ભારતને વધુ સુદ્રઢ, મજબૂત અને વિકાસશીલ બનાવવા સહયોગ આપવાને હિમાયત કરી હતી. દેશના ૧૦ રાજ્યોના ૯૦ જિલ્લાઓ નક્સલવાદની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જે પૈકી નક્સલથી અતિ પ્રભાવિત એવા ૩૦ જિલ્લાઓના યુવાનો ભયના ઓથારમાંથી બહાર લાવી તેમને મુખ્ય ધારામાં લાવવા માટે કેન્દ્ર સરકાર પ્રયાસરત છે. નક્સલવાદ એ વિચારધારાની સમસ્યા છે, જેની સામે લડવા યુવાધનને શિક્ષિત અને જાગૃત્ત કરવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી સંજય વસાવા, ડી.વાય.એસ.પી. હેતલ પટેલ, નહેરુ યુવા કેન્દ્રના રાજ્ય નિદેશકશ્રી અનિલ કૌશિક, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રફુલ શિરોયા, નિવૃત્ત પ્રિન્સીપાલ યોગેશ ભટ્ટ, જિલ્લા યુવા સંયોજક મનીષા શાહ, મામલતદારશ્રી ભાવસાર સહિત મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY