સુરત,તા.૪
ખટોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કર્મચારીઓના મારને કારણે ઓમપ્રકાશ પાંડેની તબિયત લથડી હતી. તેને નવી સિવિલ ખસેડાયો હતો. જ્યાંથી યુનિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં રાત્રિના સમયે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ ઓમપ્રકાશનો મૃતદેહ નવી સિવિલમાં હોય પરિવારમાંથી ઓમપ્રકાશનો મોટો ભાઈ અને સસરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા ઓમપ્રકાશને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. અને ન્યાય અપાવવા અપિલ કરી હતી.
પાંડેસરા અપેક્ષા નગરમાં રહેતા રામગોપાલ પાંડે અને તેના ભાઇ ઓમપ્રકાશ પાંડે તેમજ કાકાના છોકરાને થોડા દિવસ પહેલા ખટોદરા પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા હતા. ત્રણેયને પોલીસ મથકે લઇ આવી માર મારવામાં આવતાં ઓમપ્રકાશ પાંડેનું મૃત્યુ થયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, ઓમપ્રકાશના મોતના કેસમાં ખટોદરાના પીઆઈ મોહનલાલ ખિલેરી, પીએસઆઈ ચિરાગ ચૌધરી, કોન્સ્ટેબલ કલ્પેશ ગરંભા, આશિષ દિહોરા, હરેશ ચૌધરી, પરેશ ભુકણ, કનકસિંહ દિયોલ સામે હત્યાનો ગુનો દાખલ કરી તમામની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અને મૃતકનું પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. હાલ ઓમપ્રકાશનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં છે. પરિવારને જાણ થતા મૃતકના મોટાભાઈ વિસાલ પાંડે અને સસરા જગદિશ મિશ્રા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.અને ઓમપ્રકાશના મૃતદેહનો સ્વિકાર કર્યો હતો.
કસ્ટોડિયલ ડેથ મામલે સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ આદેશ કર્યો છે કે, કોઈપણ પોલીસ સ્ટેશનમાં આરોપીઓની ધરપકડ વગર લોકઅપમાં નહીં રાખી શકવામાં આવે. અને જો આરોપીને ધરપકડ વગર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવશે તો તે પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સતીષ શર્માએ આદેશ કર્યો છે કે, પોલીસ સ્ટેશનમાં એલઆઈબીના માણસો સિવાયના તમામ પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં જ નોકરી કરશે. સાથે જ તમામ પોલીસ સ્ટેશનોમાં હવે પીઆઈ દ્વારા નોકરી વહેંચણી કરવામાં આવશે તેવો આદેશ પણ પોલીસ કમિશનરે કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




