સુરત,તા.૨
જીએસટી વિભાગે ફરી એકવાર રિટર્ન ફાઇલ નહીં કરી ધંધો ચાલુ રાખતા વેપારીઓ સામે કડકાઈ બતાવી છે. જીએટીઆર-૧ ફાઇલ કરી જીએસટીઆર-૩ નહીં ભરતા સાઉથ ગુજરાતના ૧૫૦૦ જેટલાં વેપારીઓના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. જ્યારે હવે જીએસટીના નિયમોમાં સુધારો કરવાની સાથે સતત બે રિટર્ન નહીં ભરનાર જીએસટીની સાઈટ પર લોગ ઈન જ કરી શકશે નહીં.
જીએસટી નંબર લીધા બાદ રિટર્ન નહીં ભરનારા દક્ષિણ ગુજરાતના ૬ હજાર વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. અને જીએસટી નંબર રદ કરી દેવા સુધીની તૈયારી કરવામાં આવી હોવાનો નોટિસમાં ઉલ્લેખ કર્યો હતો. જેથી ૪૫૦૦ જેટલા વેપારીઓએ રિટર્ન ભરી દીધા હતા. જ્યારે ૧૫૦૦ વેપારીઓએ રિટર્ન નહીં ભરતા તેઓના જીએસટી નંબર રદ કરી દેવામાં આવ્યા હતા.
હવે જીસએટીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં માસિક અને ત્રિમાસિક રિટર્ન નહીં ભરનાર હવે જીએસટીની સાઈટ પર લોગિન નહીં કરી શકે. તેના લીધે વેપારી ઈ-વેબિલ પણ બનાવી નહીં શકે તે પ્રમાણે નવો સુધારો લાગુ કરી દેવામાં આવ્યો છે.
વેપારીઓએ જણાવ્યું હતું કે, વેપારીને કોઈ પણ માલનું વેચાણ કરે અને તેની ડિલિવરી માટે ઈવેબિલ બનાવવું જરૂરી છે. કારણ કે ઈ-વે બિલ વિના માલ મોકલવામાં આવે તો સૌથા પહેલાં ટ્રાન્સપોર્ટર માલ જ સ્વીકારતા નથી. જેથી વેપારીને માલ વેચાણ કરવામાં સૌથી વધુ સમસ્યા થશે. આ ઉપરાંત ઈ-વે બિલ વિનાનો માલ પકડાય તો તેના પર ૧૦૦ ટકા પેનલ્ટી વસૂલ કરાય છે. જેથી વેપારી ફરજિયાત રિટર્ન ભરતા થાય.
કેટલાક વેપારી જીએસટી ચોરી કરવા માટે બોગસ બિલ બનાવે છે. આવા જ બિલિંગના મોટા કૌભાંડ પણ જીએસટી વિભાગ ઝડપી પાડે છે. આ કારણે પણ રિટર્ન ભરનારાઓ જ જીએસટી લોગ ઈનનો વપરાશ કરી શકે તેવો સુધારો સિસ્ટમમાં કરવામાં આવ્યો છે. કારણ કે વેપારીઓ જીએસટી નંબર લઈ લેતા હતા પરંતુ રિટર્ન ફાઈલ કરતા નહોતા અને જીએસટીની સાઈટ પર લોગ ઈન થઈ જતા હતા. આ નિયમમાં સુધારાના કારણે જીએસટી ન ભરનારા વેપારીઓ પર તવાઈ આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



