ડ્રોન અન્ય સમયે પણ રાહબર બની શકે…જુઓ આ અહેવાલ

0
122

સામાન્ય રીતે આપણે દેશની સરહદોની ગતિવિધિ ઉપર નજર રાખતા ડ્રોન વિશે ઘણીવાર સાંભળ્યું છે, પરંતુ ડ્રોન દુશ્મનોની ગતિવિધિ કે જાસૂસીથી આગળ વધીને સમાજ સુરક્ષા માટે પણ કારગર નીવડી શકે છે, થોડું સાંભળવામાં અજીબ લાગે, પરંતુ કુદરતી કે માનવ સર્જિત આફતો સમયે પણ ડ્રોન હવે મદદરૂપ થઈ શકશે

કામરેજ ચાર રસ્તા ખાતે આવેલા દાદા ભગવાન મંદિરે આયોજિત સુરક્ષા માટેના કાર્યક્રમમાં ડ્રોનના પાયલોટ્સને શીખવાડાયું કાયદાકીય જ્ઞાનઃ ડ્રોન બની શકે છે ‘રાહબર’

આધુનિક ટેક્નોલોજીના સમયમાં વેડિંગ સેરેમની અને કોર્પોરેટ ક્ષેત્રમાં ડ્રોનનો મહદઅંશે વધુ ઉપયોગ, પરંતુ ડ્રોન ઉડાડવાની પરમિશન, સુરક્ષા સહિતના અનેક મુદ્દે ડ્રોનના પાયલોટોને કાયદાકીય જ્ઞાન હોતું નથી

સુરતમાં તક્ષશિલા આગ હોનારતની ઘટના સમયે ડ્રોન ફ્લાયર મદદે આવ્યા હોત તો માસૂમ બાળકોના જીવ બચાવી શકાયા હોતઃ સંચાલક

મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનો ઉમદા હેતુ, સુરત શહેર અને જિલ્લાના 10 થી 15 તાલીમાર્થીઓને સર્ટિફિકેટ અપાયાં

કામરેજ ચાર રસ્તા ખાતે આવેલા દાદા ભગવાનના મંદિર કેમ્પસમાં બે દિવસીય મલ્ટીરોટર પાયલોટ પ્રોજેક્ટ કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ કાર્યક્રમનો હેતુ ડ્રોન પાયલોટને કાયદાકીય જ્ઞાન, સુરક્ષા માટેના નિયમોથી માહિતગાર કરવાનો હતો.
એકવીસમી સદીમાં ટેક્નોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે. અગાઉ તોપ ગોળા, રાઇફલ, બોમ્બ અને બંદૂક મારફતે યુદ્ધો લડાતા હતા. પરંતુ હવે સમય બદલાયો છે. જાસૂસી દેશો પોતાના હરીફ દેશ ઉપર ચાંપતી નજર રાખવા માટે ટેક્નોલોજીનો સહારો લઈ રહ્યા છે, જેમાં કેટલાક સમયથી માનવ બુદ્ધિની અનોખી ખોજ કહી શકાય એવા ડ્રોન વિમાનનું ચલણ વધ્યું છે. આમ તો પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બ્રિટીશ સંશોધક આર્કિબાલ્ડલોને રેડિયો તરંગોની મદદથી દૂર બેઠા વિવિધ તરંગ અને સંચાલિત કરી શકાય એવો વિચાર આવ્યો હતો. સમયાંતરે યુદ્ધમાં ખુંવારી ટાળવા માટે ડ્રોનનો ઉપયોગ સફળ થયો હતો. બીજી તરફ ટેક્નોલોજીમાં વધારો થતાં ડ્રોન વધુ શક્તિશાળી અને સતેજ બન્યાં હતાં. અગાઉ ઈજીપ્ત અને સિરિયાએ હુમલો કરતાં ઇઝરાયેલનાં ફાયર ફાઇટર વિમાનોનો ખુરદો બોલી ગયો હતો. પરંતુ ઇઝરાયેલ અત્યાધુનિક ડ્રોન વિમાન વિકસાવ્યાં હતાં અને નવ વર્ષના ગાળામાં જ એકપણ ફાઇટર ગુમાવ્યા વિના સિરિયાના એરફોર્સની કમર તોડી નાંખી હતી.
રણસંગ્રામ વેળા કેટલાંક હેલિકોપ્ટર જેવા નાના કદના વિમાનનો ઉપયોગ થાય છે. જેને ડ્રોન વિમાન કહે છે. તેને જમીન પરથી રિમોટ મારફતે કન્ટ્રોલ કરી શકાય છે. આ વિમાનમાં શસ્ત્રો કે દારૂગોળો ભરી નિશ્ચિત સ્થળે હુમલો કરી શકાય છે. સામાન્ય રીતે ડ્રોન વિમાન ૧૨ થી ૧૩ ફૂટ લંબાઈના હોય છે. તેનો પંખો ૨૦ ફૂટ વ્યાસનો હોય છે. તે ૧૫૦ કિલોમીટરની ઝડપે ઊડે છે અને ૨૦૦ કિલોમીટરના વિસ્તારમાં હુમલા કરી શકે છે. ખાસ કરીને યુદ્ધમાં વપરાતાં વિમાન મોટા કદના હોય છે. પરંતુ હવે જાસૂસી જેવાં કામોમાં પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે. કેટલાક શોખીન લોકો એરિયલ તસવીરો લેવા માટે પણ તેનો ઉપયોગ કરે છે પણ તે ડ્રોન નાના કદનાં હોય છે. ખાસ કરીને હાલમાં લગ્ન પ્રસંગો કે કોર્પોરેટ ક્ષેત્રોમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે. જોકે, સુરત સહિતના અનેક શહેરોમાં ડ્રોનનો ઉપયોગ કરનારાઓ કાયદાકીય રીતે માહિતગાર હોતા નથી. ત્યારે કામરેજ દાદા ભગવાન મંદિરના કેમ્પસમાં બેદિવસીય મલ્ટીરોટર ડ્રોન પાઇલટ કોર્સનું મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજન કરાયું હતું. જેમાં આ પ્રોજેક્ટના તજજ્ઞો દ્વારા ડ્રોન પ્રોજેક્ટનું કાયદાકીય જ્ઞાન, સુરક્ષાના નિયમો વિષય વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત સરકારનો આ પ્રોજેક્ટ પાછળના પ્રયાસથી પણ તાલીમ લેનારાઓને માહિતગાર કરાયા હતા. આ પ્રસંગે તાલીમ લેનારા 10 થી 15 જેટલા સુરત શહેર અને જિલ્લાના તાલીમાર્થીઓને સર્ટિફિકેટ અપાયાં હતાં.

દેશની સુરક્ષા માટે ડ્રોન મદદરૂપ થઈ શકેઃ હરેન ગાંધી

પ્રોજેક્ટના સંચાલક અને પૂર્વ એરફોર્સ અધિકારી હરેન ગાંધીએ જણાવ્યું હતું કે, સુરત સહિત અનેક જગ્યાએ હજારો ડ્રોન પાઇલટો ડ્રોન ઉડાવે છે. પરંતુ મોટા ભાગનાને તેના નિયમો અને પરમિશનની જાણકારી હોતી નથી. આથી સીએસસીએ વિચાર કર્યો કે, આ પ્રોજેક્ટને પ્રોપર સિસ્ટમમાં લાવમામાં આવે તો ફાયદો થઈ શકે. હાલમાં વેડિંગ સેરેમની અને કોર્પોરેટ ક્ષેત્રમાં ડ્રોનનો મહદઅંશે વધુ ઉપયોગ થાય છે. જો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડ્રોનનો ઉપયોગ થાય તો સોસાયટી માટે અદભુત પગલું હશે. સુરતના તક્ષશિલામાં લાગેલી આગ વેળા જો કોઇક ડ્રોન ફ્લાયરે ફાયર બ્રિગેડને મદદ કરી હોત તો પાંચથી છ માસૂમોના જીવ બચાવી શકાયા હોત. ડ્રોનના પાર્ટ્સ, મેન્યુઅલી કઈ રીતે ચલાવી શકાય અને તેના પોઝિટિવ ઉપયોગ વિશે ફ્લાયરે શીખવું જોઈએ. ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. અને એ માટે પોલીસ વિભાગમાં પણ અમને સહકાર મળી રહ્યો છે. અમે પરમિશન લેવા માટે ગયા ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસે પણ ઊંડો રસ દાખવી પૂછપરછ કરી હતી, જે સારી બાબત કહી શકાય. ડ્રોન ફ્લાયર પાસે જો સર્ટિફિકેટ હોય તો વેડિંગ સેરેમની કે કોર્પોરેટ ક્ષેત્રમાં તેમના પ્રત્યેનો વિશ્વાસ વધે. હાલ હરીફાઈનો જમાનો છે, પણ તમે બધાને સહકાર આપજો. જેથી દેશની સુરક્ષા પણ થઇ શકે.

સર્ટિફિકેટથી અમને લાભ થશેઃ તપસ્યા કેતન

આ બાબતે સુરતના તપસ્યા કેતને જણાવ્યું હતું કે, સીએસસી એકેડેમીમાં લીગલ ડ્રોન કઈ રીતે ઉડાડવું અને પોલીસ પરમિશન વિશે શીખવા મળ્યું છે. અમે આઉટ કન્ટ્રીમાં શૂટિંગ માટે જઈએ ત્યારે ઘણા પ્રોબ્લેમ થતા હોય છે. હવે આ સર્ટિફિકેટ થકી પ્રોબ્લેમ નહીં થાય એ માટે ભારત સરકારનો આભાર માનું છું.

વિકાસશીલ દેશોમાં શહેરો પર નજર રખાય છે

અમેરિકા અને કેનેડા જેવાં દેશોમાં શહેરો ઉપર નજર રાખવા માટે ડ્રોનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. ટચૂકડા ડ્રોન મારફતે સર્વેલન્સનું કામ ઝડપી અને સગવડભર્યું બને છે. બીજીતરફ કુદરતી હોનારતો સમય પણ ડ્રોનને કારણે રાહતકાર્યમાં ઝડપ આવે છે.

ડ્રેન પ્રિડેટર અને ગ્લોબલ હોક વધુ જાણીતા

આપણા દેશમાં કારગિલ યુદ્ધ બાદ રુસ્તમ અને લક્ષ્ય નામનાં ડ્રોન વિકસાવાયાં હતાં. સામાન્ય રીતે ડ્રોન વિમાનમાં ડ્રેન પ્રિડેટર અને ગ્લોબલ હોક વધુ જાણીતા છે. એમાં પણ ગ્લોબલ હોક સંપૂર્ણ રીતે જાતે જઈ શકે તેવી ક્ષમતા ધરાવે છે.

ડ્રોનનો ઉપયોગ

કુદરતના પ્રકોપ વચ્ચે ઘણીવાર માનવબળ નિષ્ફળ પુરવાર થાય છે. ત્યારે આધુનિક ટેક્નોલોજી યુક્ત ડ્રોન વિમાન ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. જંગલમાં પ્રાણીઓ, દાવાનળ, ગેસ-પેટ્રોલ-પાણી ઘૂસણખોરી, તસ્કરી, દરિયાઈ ચાંચિયા વગેરેની દેખરેખ રાખવા માટે ડ્રોન બખૂબી કામ કરે છે.

મહેન્દ્ર પટેલ, સુરત,મો.નં.9979424356

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY