સુરત,તા.૧૩
‘વાયુ’ વાવાઝોડાનું ગુજરાત પરથી સંકટ ટળ્યું હોવાનું જાણવા મળ્યું છે. અને તેની સાથે ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે ગત રોજથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. જેમાં વધુ ત્રણના વીજળી પડતા મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ૬ના મોત નીપજ્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારીમાં વરસાદ વરસ્યો હતો.
૧૩મી જૂને ગાંધીધામ – બાન્દ્રા ટર્મિનસ, બાન્દ્રા ટર્મિનસ – ગાંધીધામ એક્સપ્રેસ અને ભુજ – દાદર એક્સપ્રેસ તથા ૧૫મી જૂને દાદર – ભુજ એક્સપ્રેસ એમ ચાર ટ્રેનને રદ કરવામાં આવી છે.
સોનગઢમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હોવાના જાણવા મળ્યું છે. ભારે પવન સાથેના વરસાદને કારણે બોરદા પંથકના ગામડાઓમાં છાપરા ઉડી જવાના અને વીજ થાંભલા તૂટી પડવાનું નોંધાયું છે. જ્યારે જૂની બાવલી ગામના માલુબહેન સુમનભાઈ કાથુડ (૪૫ ) રહે.જૂની બાવલી તા.સોનગઢ નામની મહિલા પર વીજળી પડતા મોત નીપજ્યું છે.
ડાંગ જિલ્લામાં વીજળીના કડાકાભડાકા સાથે તોફાની પવન ફૂંકાતા અનેક ઘરો -વૃક્ષો, વીજપોલ ધરાશાયી થતા ગાઢવી ગામના માંગુભાઈ અવસુભાઈ ગાંવિતનો પાડો (ભેંસ) વીજપોલ તૂટી પડતા તેની ચપેટમાં આવી જતા મોત નીપજ્યું હતું, જ્યારે સુબીર તાલુકાના જામલ્યા ગામના મગનભાઈ વાઘમારે (ઉ.વ. ૫૦) પર આકાશી વીજળી પડતા તેમનું મોત નીપજ્યું હતું.
વાપી નજીકના મોટી તંબાડીગામે દાજી ફળિયામાં રહેતા રાજેશ કિશનભાઇ વારલી અને તેમની પત્ની પ્રેમીલાબેન વરસાદ આવે એ પૂર્વે ઘરના છત ઉપર પ્લાસ્ટિક નાંખવા માટે ગયા હતા. જોકે, અચાનક જોરદાર પવનની સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને કડાકા સાથે પડેલી વીજળી ૩૮ વર્ષીય પ્રેમીલાબેન ઉપર પડતા તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત થયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




