ઓર્ગેનિક ખેતી આવતીકાલનું ભવિષ્ય છે : હિમાચલપ્રદેશના રાજ્યપાલ

0
9

હિમાચલ સરકારે વર્ષ ૨૦૨૨ સુધીમાં હિમાચલપ્રદેશની ખેતીને ઝેરમુક્ત બનાવવાનું બીડું ઝડપ્યું છે
સુરત, તા. ૧૧

‘ઓર્ગેનિક ર્ફામિંગ, ગોપાલન, જળ સંરક્ષણ એ આવનારા સમયની માંગ છે. ઓર્ગેનિક ખેતી આવતીકાલનું ભવિષ્ય છે. ઓર્ગેનિક ખેતી કેન્સર, હાર્ટ એટેક જેવા અસાધ્ય રોગોને નાથી શકવાની ક્ષમતા ધરાવે છે. આજે અસાધ્ય રોગોમાં ખૂબ વધારો થઇ રહ્યો છે, જે આપણા ખાનપાનના દોષોનું જ પરિણામ છે.’ એમ મિડીયાના પ્રતિનિધિઓ સાથે વાત કરતાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું કે, હિમાચલ પ્રદેશની સરકારે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહન આપવા ગયા વર્ષે રૂ.૨૫ કરોડ અને આ વર્ષે રૂપિયા ૧૦ કરોડની ફાળવણી ખેડૂતોને તાલીમ અર્થે ફાળવી છે. હિમાચલ સરકારે ગંભીરતાપૂર્વક વર્ષ ૨૦૨૨ સુધીમાં હિમાચલપ્રદેશની ખેતીને ઝેરમુક્ત બનાવવાનું બીડું ઝડપ્યું છે. જે મુજબ રાજ્યની તમામ ખેતી પ્રાકૃતિક અને ઓર્ગેનિક બને એ માટે પ્રયાસશીલ છે. દેશી ગાય આધારિત ગોબર-ગૌમૂત્રથી થતી ખેતી હવે ઝડપથી લોકપ્રિય બની રહી છે. ઓર્ગેનિક ખેતી દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં અતિ મહત્વની સાબિત થશે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, ઓર્ગેનિક ખેતીમાં પ્રાકૃતિક જીવામૃત અને ઘન જીવામૃત ખાતર ઝીરો બજેટ ખેતીને પ્રોત્સાહિત કરે છે. જેનાથી ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો શહેરમાં રહેશે. પરિણામે ખેડૂતોને આત્મહત્યા કરવાના દિવસો ભૂતકાળ બની જશે. દેશી ગાય આધારિત ગોબર-ગૌમૂત્ર પણ જમીનને ઉપજાઉ બનાવી શકાય છે. સજીવ ખેતી માટે જરૂરી એવા પદાર્થોમાં એક એવા ગૌમૂત્રના ઉપયોગથી પાકને પણ પુરતું પોષણ મળવાની સાથે પાકની ગુણવત્તા પણ સારીએવી જળવાઈ રહે છે એમ તેમણે ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, આચાર્યશ્રી દેવવ્રતજીની પ્રેરણાથી હરિયાણાના કુરુક્ષેત્ર ગુરુકુળમાં ૨૦૦ એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી દ્વારા મબલખ ઉત્પાદન મેળવીને નવો ચીલો પાડ્‌યો છે, જ્યાં દેશના કોઈ પણ રાજ્યના ખેડૂતને ઓર્ગેનિક ખેતીની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY