બુધ્ધિથી લીધેલા નિર્ણય સફળતા તરફ દોરી જાય છે : ગવર્નર આચાર્ય દેવવ્રત

0
33

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અગ્રવાલ વિદ્યાવિહાર શાળાનો સાંસ્કૃતિક સમારોહ યોજાયો
સુરત, તા. ૧૧

‘આદર્શ મનુષ્યનું નિર્માણકાર્ય સૌથી વધુ કઠિન છે, પણ સૌથી જરૂરી પણ છે. બુદ્ધિથી લીધેલા નિર્ણય સફળતા તરફ અને દિલથી લીધેલા નિર્ણય બરબાદી તરફ દોરી જાય છે, જેથી વિદ્યાર્થીજીવનમાં વિવેકબુદ્ધિથી માતાપિતા અને પરિવારને નજર સમક્ષ રાખીને અભ્યાસને જ એકમાત્ર લક્ષ્ય બનાવવું જોઈએ. એક સારો વિદ્યાર્થી ઇતિહાસ રચી શકે છે શકવાની ક્ષમતા ધરાવે છે. બાળકને શિક્ષિત કરવામાં આવે તો તે પરિવારની કાયાપલટ કરીને રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં સહભાગી બની શકે છે.’ એમ હિમાચલ પ્રદેશના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અગ્રવાલ વિદ્યા વિહાર શાળાનો સાંસ્કૃતિક સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં જણાવ્યું હતું.
અગ્રવાલ વિદ્યા વિહાર શાળા પટાંગણમાં આયોજિત સમારોહમાં શ્રી દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું કે, શિક્ષક એક એવો ચિરાગ છે, જે પોતે સળગીને અન્યને પ્રકાશ આપે છે. શિક્ષકે પોતાનું અસ્તિત્વ ગુમાવીને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે હરહંમેશ સતર્ક રહેવું પડતું હોય છે. તે પોતે કશું લેતો નથી, પરંતુ દેતો હોય છે. જે રીતે વાદળ પૃથ્વી પર વર્ષા કરે છે, અને સૂર્ય પ્રકાશ ફેલાવે છે, એ જ રીતે શિક્ષક અન્ય માટે જીવે છે. વિદ્યાર્થીના જીવન ઘડતરની જવાબદારી પ્રાપ્ત થઇ તે શિક્ષકનું અહોભાગ્ય હોવાનું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. છે. તેમણે ઉમેર્યું કે, બાળક ભાષણથી નહીં, પરંતુ માતા-પિતા, પરિવાર અને સમાજના લોકોનું અનુકરણ કરીને શીખે છે.
તેમણે આધુનિક શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિને સંરક્ષિત કરે, ઉપરાંત સ્પોટ્‌ર્સ અને ઇતર પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવે તેવી શૈક્ષણિક સંસ્થાઓની જરૂરિયાત હોવાનું જણાવી અગ્રવાલ વિદ્યા વિહાર શાળા વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલવવા આ કાર્ય સુપેરે નિભાવી રહી છે એમ ઉમેર્યું હતું. રાજ્યપાલશ્રીએ શાળાકીય શિક્ષણની સાથે રમતગમત અને સંસ્કારસભર વાતાવરણ પૂરું પાડીને શાળાએ ગણમાન્ય સ્થાન હાંસલ કર્યું છે એમ જણાવી શાળાને અભિનંદન આપ્યા હતા.
આચાર્યજીએ વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું કે, માતા-પિતાનું ગૌરવ, શિક્ષકોનું સન્માન અને પરિવારની ઈજ્જત વધારવા માટે હમેશા કાર્યશીલ બનવું જોઈએ.
મહિલા શિક્ષકમાં સંવેદનશીલતા અને આત્યીતાની ભાવના વધુ હોય છે. જે વિદ્યાર્થીની હરહંમેશ ખેવના રાખે છે. તેમણે શિક્ષકોને ખાસ અનુરોધ કર્યો હતો કે, જીવનના દ્વંદમાં ફસાયેલા બાળકને બહાર લાવી તેની મનોભાવના સમજી યોગ્ય રસ્તા પર વાળવાનો શિક્ષકનો ધર્મ છે.
આ પ્રસંગે અગ્રવાલ વિદ્યા વિહાર ટ્રસ્ટના પ્રમુખશ્રી વિનોદ ગોયલ, ચેરમેનશ્રી પ્રમોદજી ચૌધરી, વાઇસ ચેરમેનશ્રી સુભાષ મિત્તલ, સચિવશ્રી રમેશજી ચૌધરી, ખજાનચી બ્રિજમોહન અગ્રવાલ, શાળાના પ્રિન્સિપલ શ્રીમતી છવિ રવિ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો-વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY