સુરત,તા.૧૧
પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાનાં રાજદ્રોહના કેસમાં મળેલા જામીન રદ્દ કરી તેને ફરીથી જેલમાં મોકલવા માટેની કરાયેલી અરજીમાં બંને પક્ષોની દલીલો સુરત જીલ્લા કોર્ટમાં શુક્રવારે સવારે કરવામાં આવી હતી. દલીલો સાંભળ્યા બાદ કોર્ટ ૧૫મી જાન્યુઆરીનાં રોજ પોતાનો ચુકાદો સંભળાવશે. સરકાર પક્ષ દ્વારા અલ્પેશ સામે થયેલી ફરિયાદો, તેના અપશબ્દો વાળી સીડી તથા સોશિયલ મીડિયાના મેસેજનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો બચાવ પક્ષે પોલીસ દ્વારા દ્વેષભાવ રાખી કાર્યવાહી કરવા સહિતના મુદ્દે દલીલો કરી હતી.
પાટીદાર અનામત આંદોલન સમીતીના નેતા અલ્પેશ કથિરીયાને રાજદ્રોહના કેસમાં કેટલીક શરતોને આધીન સુરત જીલ્લા કોર્ટે જામીન આપ્યા હતા. ત્યારે હવે સુરત ક્રાઈમ બ્રાન્ચે અલ્પેશના જામીન રદ્દ કરી તેને ફરીથી જેલમાં મોકલવા માટે અરજી કોર્ટ સમક્ષ કરી છે. જેમાં છેલ્લા બે દિવસથી દલીલો ચાલી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચે કરેલી અરજીમાં સંદર્ભે કોર્ટમાં દલીલો કરતા મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું છે કે અલ્પેશ સતત જામીન પર મુકિત માટે અપાયેલી શરતોનું પાલન નથી કરી રહ્યો, ૨૫મી ડિસેમ્બરનાં રોજ અલ્પેશે સુરત કલેકટર ઓફિસમાં રજાના દિવસે જબદ્સ્તી ઘુસી જઈ ધારણા કર્યા હતા, સાથે જ જીલ્લા કલેકટર સાથે પણ અસભ્ય વર્તન કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



