રાષ્ટ્રીય યુવા દિનની પૂર્વ સંધ્યાએ સુરતમાં યુથ કનેક્ટ કાર્યક્રમ યોજાયો

0
9

જીવનમાં દરેક વ્યક્તિએ હંમેશા હકારાત્મક દૃષ્ટિકોણ કેળવવો જોઈએ : દ્રવ્ય ધોળકીયા
સુરત, તા.૧૨

નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ-૨૦૧૯માં નવીનીકરણ, ઉદ્યોગ સાહસિકતા અને યુવા સશક્તિકરણ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. જે સંદર્ભે ૧૨મી જાન્યુ.એ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા ‘રાષ્ટ્રીય યુવા દિન’ની પૂર્વ સંધ્યાએ ઓરો યુનિવર્સિટી, સુરત ખાતે ‘યુથ કનેક્ટ-૨૦૧૯’ સંગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ ક્ષેત્રના નામાંકિત યુથ આઇકોન ઉપરાંત યુવા ઉદ્યોગકારોએ ઉપસ્થિત રહી પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. યુથ આઈકોને યુવા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપી હમેશાં ઊંચું લક્ષ્ય રાખી સખત પરિશ્રમ કરવા માટે જણાવ્યું હતું.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશ્નર અને અગ્ર સચિવ શ્રીમતી જયંતિ રવિએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘શેપીંગ અ ન્યૂ ઈન્ડિયા’ થીમ પર યોજાઈ રહેલી સમિટ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘નયા ભારત’ ના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં
મહત્વનું કદમ સાબિત થશે. આ વર્ષે સ્પ્રિન્ટ – ૨૦૨૨, આફ્રિકા-ડે, કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર, બાયર-સેલર મીટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો દ્વારા વિચારો અને જ્ઞાનની આપ-લે તેમજ યુવાનો દ્વારા સામાજિક અને આર્થિક વિકાસ કેવી રીતે મજબૂત બનાવી શકાય તે હેતુથી ખેલ-ઉદ્યોગ જગત તેમજ સામાજિક ક્ષેત્રે પ્રભાવ ધરાવતા યુથ આઈકોન સાથે વિચારગોષ્ઠિ કરવા માટે ‘યુથ કનેક્ટ-૨૦૧૯’નું આયોજન કરાયું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટેનિસ સ્ટાર પ્લેયર હરમિત દેસાઈએ પોતાની સફળતા અંગે જણાવ્યું હતું કે, ટેબલ ટેનિસ એ મારો શોખ અને પેશન છે. જો ટેબલ ટેનિસ સિવાય અન્ય ક્ષેત્રમાં કદાચ પદાર્પણ કર્યું હોત તો આજે આટલો સફળ થઈ શક્યો ના હોત. તેમણે ઉમેર્યું કે, જે ક્ષેત્રમાં રસ હોય તેમાં જ આગળ વધવાથી સફળતા અચૂક પ્રાપ્ત થાય છે. આ પ્રસંગે સુરતના હરિકૃષ્ણા એક્ષ્પોર્ટસ પ્રાઇવેટ લિ.ના શ્રી દ્રવ્ય ધોળકિયાએ જણાવ્યું હતું કે, જીવનમાં દરેક વ્યક્તિએ હંમેશાં હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવો જોઈએ, કારણકે હકારાત્મકતા એ સફળતાનું પ્રથમ પગલું છે. સેવા-રૂરલ સંસ્થાના રિસર્ચ કોઓર્ડિનેટર અને ફિઝીશ્યન શ્રી શ્રેય દેસાઈએ કહ્યું કે, દ્રઢ નિશ્ચયને વળગી રહેવાથી સફળતાનો રસ્તો પ્રશસ્ત થાય છે. દક્ષિણ ગુજરાતના વ્યારામાં સફળ ડેન્ટિસ્ટની સાથે સાથે બાઈકર તરીકેની ખ્યાતિ મેળવનાર ડેન્ટીસ્ટ શીતલ શાહે યુવાઓ સાથે પ્રેરણાત્મક સંગોષ્ઠી કરતાં જણાવ્યું હતું કે, સ્ત્રી માત્ર ઘર સાચવવા જ નહિ, દેશ સાચવવા પણ સક્ષમ છે. આજે પુરૂષોના વર્ચસ્વવાળા ક્ષેત્રોમાં પણ મહિલાઓ પુરૂષ સમોવડી બનીને દેશ-દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે તેમ તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું. જાણીતી કંપની વ્હાઈટ પ્રિન્ટના સંસ્થાપક ઉપાસનાએ જણાવ્યું કે, સમાજ સેવા માટે કોઈ ચોક્કસ ઉંમર હોતી નથી. સારા આઈડિયાને યોગ્ય સમયની રાહ જોયા વગર તરત જ અમલમાં મૂકવો જોઈએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પાંચેય આઈકોનને તેમના જીવનની સફળતા વિશે પૂછવામાં આવેલા પ્રશ્નોના સંતોષકારક અને પ્રોત્સાહક જવાબો આપ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થી-યુવાઓએ સહભાગી થઈને કાર્યક્રમને વધાવ્યો હતો. આ અગાઉ વડોદરા અને રાજકોટ ખાતે ‘યુથ કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સુરત જિલ્લા કલેક્ટરશ્રી ડા. ધવલ પટેલ, શિક્ષણવિદ્દો, યુવાઓ-વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY