તા. ૩૦મીએ વડાપ્રધાન મોદી સુરતમાં ત્રણ હાજરી આપશે : દાંડીમાં મ્યુઝિયમનું લોકાર્પણ
સુરત, તા. ૨૧
વડાપ્રઘાન નરેન્દ્ર મોદી આ મહીનાના અંતમાં એક વાર ફરી ગુજરાતની મુલાકાતે આવશે. પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. આગામી ૩૦મી જાન્યુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સુરત અને નવસારી ખાતે તેઓ અલગ અલગ ચાર કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જેમાં સુરતથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ, ખાનગી હોસ્પીટલનું લોકાર્પણ, દાંડી યાત્રા અંગે બનાવાયેલા ગાંધી મ્યુઝીયમ અને પ્રોફેશનલો સાથે સંવાદ કાર્યક્રમનો સમાવેશ થાય છે.
મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૦ જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં પીએમ મોદી દિલ્હીથી બપોરે દોઢ વાગ્યે સુરત એરપોર્ટ પર આવશે, જ્યાં તેઓ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલનું ઉદ્દઘાટન કરશે. આ સાથે જ શાહજહ સુરત શાહજહ ફ્લાઈટની શરૂઆત કરાવશે. વડાપ્રધાનનું અલગ અલગ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરી તેમનું અભિવાદન પણ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ફલાઈટનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી એરપોર્ટથી રામપુરા જશે. પીએમ મોદી રામપુરા ખાતે નવી બનેલી વિનસ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે. આ કાર્યક્રમ પૂર્ણ કરી બપોરે રામપુરાથી સુરત એરપોર્ટ આવશે, અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા નવસારીના દાંડી જવા રવાના થશે.
દાંડીમાં ૧૫૦ કરોડના ખર્ચે મહાત્મા ગાંધીના મ્યુઝિયમનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે. મહત્વનું છે કે મીઠાના સત્યાગ્રહ ઉપર આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જેમાં દાંડી યાત્રા સમયે બાપુ સાથે જે લોકો હાજર રહ્યા હતા, તેમની મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે. સાંજે દાંડીથી પરત ફરી સુરત એરપોર્ટ ખાતે આવશે તેઓ આવશે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રોફેશન્લ્સ સાથે તેઓ ખુલી ચર્ચા કરશે. આ કાર્યક્રમ પૂર્ણ કરી રાત્રે સાડા સાત કલાકે સુરતથી દિલ્હી જવા રવાના થશે. આમ દિવસભર પીએમ સુરત અને નવસારીમાં ભરચક કાર્યક્રમોમાં હાજરી આપશે.
સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલમાં જ કસ્ટમ વિભાગના આઠ અધિકારીઓની નિમણુંક પણ કરી દેવામાં આવી છે. એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઈટને લગતા બદલાવો પણ કરવામાં આવી રહ્યા છે, જે ૩૦ જાન્યુઆરી પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે. પીએમ મોદી ૩૦ મી જાન્યુઆરીએ એર ઇન્ડિયા એક્સપ્રેસની શાહજહ – સુરત – શાહજહ ફલાઇટને લીલી ઝંડી આપશે. હાલમાં તેનું બુકિંગ શરૂ કરાયું અને અને ફ્લાઈટની ટીકીટના ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે. ૧૬મી ફેબ્રુઆરીથી ફ્લાઈટનું ઓપરેશન શરુ કરવામાં આવશે. અઠવાડિયામાં બે વખત ફ્લાઈટનું શિડયુલ ગોઠવવા આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે શહેર અને દક્ષીણ ગુજરાતના પ્રોફેશન્લ્સ સાથે ચર્ચા કરશે. એક કલાક સુધીનો આ કાર્યક્રમ રહેશે. જોકે કોણ કોણ હાજર રહેશે, કેવી રીતે આખું આયોજન કરવામાં આવ્યું છે, તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




