સુરત,તા.૨૨
પીએચડી અને એમ.ટેકના એસવીએનઆઇટીના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાઇપેન્ડ અને ફેલોશીપમાં વધારાની માગ સાથે એક રેલી કાઢવામાં આવી હતી. દેશની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મંગળાવારે રેલી યોજીને વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ અને સરકારનું ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો હતો.
એસવીએનઆઈટીના વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર દેશની તમામ આઈઆઈટી જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પીએચડી અને એમટેકના વિદ્યાર્થીઓને આપવામાં આવતા સ્ટાઇપેન્ડ અને ફેલોશીપમાં દર ચાર વર્ષે વધારો કરવામાં આવતો હોય છે પરંતુ ૨૦૧૪ પછી ૨૦૧૮માં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. ૨૦૧૯ની શરૂઆત થઈ ગઈ હોવા છતાં મેનેજમેન્ટ કે સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ કે ફેલોશીપ વધારાના મામલે કોઈ મગનું નામ મરી પાડતું નથી. જેથી મંગળવારે સવારે ૧૦થી ૧૧ વાગ્યા સુધી એસવીએનઆઈટી કેમ્પસમાં સીઆસી કોમ્પ્લેક્સથી મેઇનગેટ સુધી વિદ્યાર્થીઓ દ્વારા સરકારનું ધ્યાન દોરવા શાંતિપૂર્ણ રેલી યોજવામાં આવી હતી.
એસવીએનઆઈટીમાં પીએચડી અને એમ.ટેકના આશરે ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ છે તે પૈકી રેલીમાં ૨૫૦ વિદ્યાર્થીઓ જાડાયા હતા. ૨૦૧૪થી તેઓને જે ૨૫,૦૦૦ સ્ટાઇપેન્ડ મળે છે તેને વધારીને રૂપિયા ૫૦,૦૦૦ કરવા વિદ્યાર્થીઓએ માગણી કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




