જસ્ટીસ એસ.એચ. વ્હોરાની કોર્ટમાં સુનાવણી શરૂ થઈ
સુરત, તા. ૨૩
અમરોલી પોલીસ મથકના રાજદ્રોહના ગુનામાં જામીન મુકત થયા બાદ કાયદો-વ્યવસ્થાનો ભંગ કરતા ડીસીબી દ્વારા આરોપીના રેગ્યુલર જામીન રદ કરવા માટેની એક પરચૂરણ અરજી કરવામાં આવી હતી. સુનાવણીના અંતે અદાલતે આરોપી અલ્પેશના જામીન રદ કરતા આ હુકમને પડકારવા તેમના ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ રફીક લોખંડવાળા દ્વારા એક રીવીઝન અરજી કરવામાં આવી હતી. આ રીવીઝન અરજીની સુનાવણી આજે વિદ્વાન જસ્ટિસ એસ.એચ. વ્હોરાની કોર્ટમાં ક્રમ નંબર-૧૩ પર થશે. એવું બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહવાળાએ જણાવ્યું હતું.
આ કેસની ટૂંકી વિગતો એવી છે કે, પાટીદાર આંદોલન દરમિયાન મોટા વરાછા ખાતે રહેતા વિપુલ દેસાઈને ત્યાં જઈ હાર્દિક પટેલે પોલીસ વિરુદ્ધ બેફામ નિવેદનો કર્યા હતા. અમરોલી પોલીસ મથકમાં પૂર્વ ડીસીપી મકરંદ ચૌહાણે હાર્દિક પટેલ તથા તેની આણી મંડળી સામે રાજદ્રોહની ફરિયાદ દાખલ કરાવતા ડીસીબીએ તબક્કાવાર હાર્દિક, ચિરાગ, વિપુલ, અને અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી હતી. હાલમાં અલ્પેશ સિવાય તમામ આરોપીઓ જામીન મુકત છે. જામીન મુકત થયા બાદ અલ્પેશ દ્વારા વરાછા અને સરથાણા વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાનો ભંગ કરવામાં આવતા ડીસીબી દ્વારા તેના રેગ્યુલર જામીન રદ કરવા માટે એક પરચુરણ અરજી કરી હતી જે અદાલત દ્વારા અલ્પેશની જામીન ફગાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના હાઈકોર્ટના એડવોકેટ રફીક લોખંડવાળા દ્વારા રીવીઝન અરજી કરી હતી. આ રીવીઝન અરજીમાં લોખંડવાળાએ જણાવ્યું હતું કે, રાજદ્રોહના ગુનામાં કોઈ સાક્ષી કે પુરાવાઓ સાથે છેડાછડ કરવામાં આવી નથી. જેટલી પણ એફઆઈઆર દાખલ થઇ છે. તેમાં સરકાર ફરિયાદી બની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



