વડાપ્રધાનના કાર્યક્રમના સ્થળે સલામતી વ્યવસ્થા અંગે સમીક્ષા
સુરત, તા.૨૫
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૩૦મીના રોજ સુરત ખાતે પધારનાર છે. વડાપ્રધાનશ્રી સુરત ખાતે નવા એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગનું ખાતમૂહુર્ત,રામપુરા સ્થિત વિનસ હોસ્પિટલના નવનિર્મિત બિલ્ડીંગનું ઉદઘાટન તેમજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત યુથ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેનાર છે.
વડાપ્રધાનશ્રીના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત કલેકટરશ્રી ડો.ધવલ પટેલના અધ્યક્ષસ્થાને પૂર્વતૈયારી અંગે બેઠક યોજાઈ હતી. જેમાં એરપોર્ટ સહિત કાર્યક્રમના ત્રણે સ્થળો ઉપર સલામતી વ્યવસ્થા અંગે સમીક્ષા કરાઇ હતી. બેઠકમાં ખાસ કરીને સ્ટેજ, બેઠક વ્યવસ્થા, લાઈટ સાઉન્ડ સિસ્ટમ, સ્વાગત, કાયદો-વ્યવસ્થા, ર્પાકિંગ, ટ્રાફિક વ્યવસ્થા, વીજળી, પાણી, આરોગ્ય, વી.આઈ.પી. પ્રવેશ મીડિયા પ્રવેશ, પાસ બેઠક વ્યવસ્થા સહિતના તમામ પાસાઓની તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી. આ અગાઉ કલેકટરશ્રીએ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમના તમામ સ્થળોની રૂબરૂ મુલાકાત લઇ તમામ પાસાઓની ઝીણવટભરી માહિતી મેળવી હતી.
કલેકટરશ્રીએ બેઠકમાં કાર્યક્રમના સુચારૂ આયોજન માટે બનાવેલ વિવિધ સમિતિઓને સોપવામાં આવેલ કામગીરી માટે તેમજ સંબંધિત અધિકારીઓ સાથે સુરક્ષા સહિતની બાબતોને ધ્યાને લઇ બારીકાઇથી ચર્ચા સમીક્ષા કરી જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા.
બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી સંજય વસાવા, નાયબ પોલીસ કમિશનર શ્રી, ડી.સી.પી. કે.એ.નિનામા, એ.સી.પી. વી.એ.શુકલ, સિટી પ્રાંત શ્રી પી.આર. જાની, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી પટેલ, એરપોર્ટ ઓથોરીટી તથા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




