સુરત,તા.૨૫
આતંકવાદ સંદર્ભે વૈશ્વિક સ્તરે તપાસ કરતી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમ પહેલી વખત સુરત આવી હતી. સુરતના અડાજણ પાટિયા વિસ્તારના એક અપાર્ટમેન્ટના ૨ ફ્લેટમાં સતત ૬ કલાક સુધી તપાસ કર્યા બાદ કેટલાક ચોંકાવનારા દસ્તાવેજી પુરાવા એનઆઇએની ટીમે એકત્ર કર્યા હોવાની માહિતી જાણવા મળી છે. આ ફ્લેટમાં રહેતા નદીમ પાનવાલા લાહોરની સંસ્થા ફલાહ-ઈ-ઇન્સાનિયત ફાઉન્ડેશન સાથે સંકળાયેલા હોવાના કારણે તેને ત્યાં સર્ચ કરી દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ફલાહ-ઈ-ઇન્સાનિયત ફાઉન્ડેશન એ ગ્લોબલ ટેરરિસ્ટ હાફીઝ સૈયદની સંસ્થા છે. એનઆઇએની ટીમે સુરત અને વલસાડ ઉપરાંત દેશભરમાં કુલ ૮ સ્થળે દરોડા પાડી ઢગલાબંધ દસ્તાવેજી પુરાવા કબજે કર્યા હોવાનું એનઆઇએએ જારી કરેલી અખબારી યાદીમાં જણાવ્યું છે.
ત્રણ દિવસ પૂર્વે તા. ૨૧-૧-૧૯ના રોજ એનઆઇએની ટીમે મોહંમદ હુશેન મોલાની ઉર્ફે બબલુ અબ્દુલ હમીદ મોલાની (ઉ.વ.૪૩, રહેઃ ગુલઝારપુરા, સિકર રોડ, કુચમાનસિટી, જિ. નાગોર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. તેની પૂછપરછના અંતે સુરત અને વલસાડ ઉપરાંત સિકર, જયપુર, ઉત્તરપ્રદેશના ગોડા, દિલ્હી અને કેરલાના કાસારગોડ ખાતે સર્ચ હાથ ધરી મોબાઇલ, સીમકાર્ડ, હાર્ડ ડિસ્ક, લેપટોપ. રોકડ રકમ, સોના સહિતની વસ્તુઓ કબજે કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



