સુરત,તા.૨૮
કહેવાય છે કે મોત કિયારેક પૂછીને નથી આવતું. તે ગમે ત્યારે અને ગમે ત્યાં ત્રાટકતું હોય છે. થોડા દિવસ પહેલા કન્ટ્રક્શન સાઇટ પર જઈ રહેલા એક યુવક પર બિલ્ડિંગ ઉપરથી મોત બનીને એક લોખંડની સળિયો ત્રાટકિયો હતો. આ બનાવમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. હવે સુરતમાં બાઇક પર જઈ રહેલા એક યુવક પર ઉપરથી મોત બનીને ગડર ત્રાટકિયું હોવાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના અમરોલી વિસ્તારમાં નવા બ્રિજની બાજુમાં આવેલા જુના બ્રિજનું ગડર તૂટીને બાઇક પર જઈ રહેલા એક ૨૭ વર્ષીય શિક્ષક પર પડ્યું હતું. શિક્ષકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. બ્રિજ પરથી પસાર થઈ રહેલો એક ટ્રક રોડ પર મૂકવામાં આવેલા લોખંડના ગડ્ડર સાથે ટકરાયો હતો. જે બાદમાં ગડર તૂટીને ટ્રકની બાજુમાંથી પસાર થઈ રહેલા એક બાઇક પર પડ્યું હતું.
ગડરની ટક્કર બાદ યુવકનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. મોતને ભેટનાર યુવક ૨૭ વર્ષીય શબ્બીર સૈયદ હોવાનું માલુમ પડ્યું છે. યુવક વેડરોડ ખાતે આવેલી એક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યાની પણ માહિતી મળી છે.
સોમવારે થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં ટ્રક ગડર સાથે અથડાયા બાદ ગડરને બાઇક પર પડતું જાઈ શકાય છે. અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. રસ્તા પર પડેલા ગડરને હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



