લાલ વાવટા યુનિયને મેયરને પત્ર લખ્યો
સુરત, તા.૪
સુરત મનપાની ત્રીજી શ્રેણી ક્લાર્કની ભરતીના બાકી રહી ગયેલા ૩૩૫ ઉમેદવારોની પ્રતિક્ષા યાદીની મુદ્દત લંબાવવા સુરત મનપા લાલ વાવટા યુનિયનના પ્રમુખ વિજય શેણમારેએ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તથા મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી માંગણી કરી છે.
યુનિયને આપેલ પત્રમાં જણાવેલ છે કે સુરત મહાનગરપાલિકાની કોડ-૭૦૧ ત્રીજી શ્રેણી ક્લાર્કની ભરતી કરવા બાબત તા.૧૪-૫-૨૦૧૩ના રોજ જાહેરાત આપવામાં આવી હતી. જે સંદર્ભે રીક્રુટમેન્ટની લાંબી પ્રક્રિયા બાદ સુરત મનપા તરફથી તા.૧૩-૧૨-૨૦૧૬ના રોજ પ્રતિક્ષા યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ પ્રતિક્ષા યાદીની મુદ્દત પ્રસિદ્ધ થયાની તારીખથી બે વર્ષની રહેશે તેવુ જાહેર કરવામાં આવેલ હતું. આ પ્રતિક્ષા યાદી તા.૧૪-૧૨-૨૦૧૮ના રોજ બે વર્ષ પૂર્ણ થતા મુદ્દત સમય પૂરો થઈ ગયેલ છે. પરંતુ જાહેર કરેલ પ્રતિક્ષા યાદીમાંથી આશરે ૩૩૫ જેટલા ઉમેદવારોની નિમણૂંકથી વંચિત રહી ગયેલા છે. જેથી આ પ્રતિક્ષા યાદીને ઓછામાં ઓછા એક વર્ષ માટે લંબાવવામાં તથા બાકી રહી ગયેલા આશરે ૩૩૫ જેટલા ઉમેદવારોને નિમણૂંક આપવા વિનંતી કરવામાં આવી છે.
ભૂતકાળમાં સુરત મનપાએ એક્ઝીક્યુટીવ એન્જિનિયરોની તથા પ્રાયમરી હેલ્થ વર્કરોની પ્રતિક્ષા યાદીની મુદ્દત લંબાવવામાં આવેલી હતી. ઉમેદવારોની નિમણૂંક બાબતે સુરત મનપા તરફથી બીજી જાહેરાત આપવામાં ન આવે ત્યાં સુધી અગાઉની પ્રતિક્ષા યાદી ચાલુ રાખી શકાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



