સુરતમાં બોઈઝ ફ્રી સ્ટાઈલ ગ્રીકો રોમન સ્ટાઈબ રેસલિંગ ચેમ્પિયનશીપ શરૂ

0
2

રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉપસ્થિત રહી ખેલાડીઅોને પ્રોત્સાહિત કર્યા
સુરત, તા.૫

ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા સુરત ખાતે તા.૦૨ થી ૦૫ ફેબ્રુઆરી દરમિયાન ૩૮મી બોયઝ ફ્રી સ્ટાઈલ, ગ્રીકો રોમન સ્ટાઈલ અને ૨૧મી વુમન્સ જુનિયર નેશનલ રેસલિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે. જેમાં આજરોજ સ્પર્ધાના ત્રીજા દિવસે રમતગમત અને સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે ઉપસ્થિત રહીને દેશભરના ૨૮ રાજ્યોમાંથી કુસ્તી સ્પર્ધામાં ભાગ લેવા આવેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
સુરતના અઠવાલાઇન્સ સ્થિત ઈન્ડોર સ્ટેડીયમમાં આયોજિત કુસ્તી ચેમ્પિયનશીપમાં ૫૦૦ થી વધુ પુરુષ સ્પર્ધકો અને ૨૫૦ મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ પ્રસંગે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, વિસરાતી જતી ગ્રામીણ રમતોને પ્રોત્સાહન આપવા તેમજ શાળા, કોલેજની યુવાપ્રતિભાઓ-રમતવીરો ખેલકૂદના માધ્યમથી સ્વસ્થ રહે અને સ્પોટ્‌ર્સના ક્ષેત્રમાં રાજ્યનું નામ રોશન કરે તેવા આશય સાથે ગુજરાતમાં ખેલમહાકુંભ રમતોત્સવ દર વર્ષે યોજાય છે. ખેલમહાકુંભની ફલશ્રુતિરૂપે વર્ષ ૨૦૧૮માં એશિયન ગેમ્સમાં દક્ષિણ ગુજરાતના ડાંગની દોડવીર ખેલાડી સરિતા ગાયકવાડે ગોલ્ડ તેમજ સુરતના માનવ ઠક્કર, હરમિત દેસાઈ અને અંકિતા રૈનાએ બોન્ઝ મેડલ મેળવીને ગુજરાત તેમજ દેશનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતી એટલે વ્યાપારી પ્રજા એવી લોકોની ધારણાને ખોટી પાડી રાજ્યનું યુવાધન રમતગમત ક્ષેત્રમાં દેશ અને દુનિયામાં યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લેવાની સાથે મેડલો જીતી લાવી આગવી છાપ ઊભી કરી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય સરકાર ખેલમહાકુંભ દ્વારા ખેલકૂદને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ હોવાનું જણાવી તેમણે કહ્યું કે, ખેલમહાકુંભમાં સ્પર્ધકોની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે રૂ.૪૦ કરોડથી વધુના ઈનામો એનાયત કર્યા છે. રાજ્યના યુવાધનમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા ખેલમહાકુંભ એક મહત્વનુ માધ્યમ બન્યું હોવાનું તેમણે કહ્યું હતું. મંત્રીશ્રીએ તમામ રાજ્યોના રેસલિંગ ખેલાડીઓને આવકારી તેમની ઉત્તરોત્તર પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન શ્રી રાજુભાઈ પાઠક, સુરત ડિ.કો.ઓપ. બેંકના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી દિનેશભાઈ કદમ, રમતગમત અધિકારીશ્રી વિરલ પટેલ સહિત મોટી સંખ્યામાં વિવિધ રાજ્યોના અને સ્થાનિક સ્પર્ધકો, રમતગમતપ્રેમી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY