સુરત,તા.૭
ડાયમંડ સીટી હવે ધીરેધીરે ક્રાઇમ બાજુ વળી રહી હોય તેવું લાગી રહયું છે. દિવસેને દિવસે સુરતમાં ક્રાઇમના અનેક કિસ્સાઓ બનતા જાય છે. હાલ એક હિરાના કર્મચારીની જાહેરમાં ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના સુરતના વરાછામાં બની છે. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. સુરત શહેરમાં બે દિવસમાં હત્યાના ત્રણ બનાવો નોંધાતા હાહાકાર મચી ગયો છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતના વરાછા વિસ્તારમાં રહેતો દિનેશ વાડા જે હિરા ઘસી પોતાના પરિવારનું ગુજરાત ચલાવતો હતો. બુધવારે રાત્રે દિનેશ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન માતાવાડી સર્કલ પાસે અજાણ્યા ૪ શખ્સો દ્વારા દિનેશભાઇ પર ૪ શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ભાગી છૂટ્યા હતા. જ્યાં ઘટના સ્થળ પર જ દિનેશબાઇનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણકારી મળતા વરાછા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન પોલીસના હાથે ઘટનાના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા. જેમાં દિનેશભાઇની હત્યા કરતા ૪ લોકો ઝડપાયા હતા. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી અજાણ્યા શખ્સો વિરૂધ હત્યાનો ગુનો નોંધ્યો છે.
આ સિવાય અગાઉ સુરતના ખટોદરા વિસ્તારમાં પણ હત્યા થઇ હતી. પાંડેસરામાં મોબાઈલ લૂંટવા છરી વડે હુમલો કરાયો હતો. સુરતમાં છેલ્લા બે દિવસમાં થયેલી ૩ હત્યાઓના કેસમાં હુમલાખોરોએ બાઇક પર આવીને ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. બે દિવસમાં સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશન, વરાછા પોલીસ સ્ટેશન અને પાંડેસરા પોલીસ મથકમાં હત્યાના કેસ નોંધાયા છે. ખટોદરા, વરાછા અને પાંડેસરામાં હત્યાની ઘટનાથી પોલીસ સજાગ થઇ ગઇ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





