સમૂહ લગ્નમાં ચાંદલાની રકમ શહીદ વીરોના પરિવારોને આપશે સૌરાષ્ટ્ર પટેલ સમાજ
સુરત, તા.૧૬
કાશ્મીરમાં પુલવામાં જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલામાં વીર ગતિ પામેલા ૪૨ વીરજવાનોને જય જવાન નાગરિક સમિતિ સુરત અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી ભાવાંજલી અર્પી છે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી રવિવારે સમૂહ લગ્ન સમારોહનું આયોજન છે. સમૂહ લગ્ન સમારોહમાં લોકો તરફથી મળનાર ચાંદલા સ્વરૂપનું તમામ દાન વીર જવાનોના પરિવારોને આપવાનું નક્કી કરેલ છે. તા.૧૭-૨-૨૦૧૯ રવિવાર મોટા વરાછા, અબ્રામા રોડ ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં ૨૬૧ યુગલો લગ્નગ્રંથીથી જાડાશે. સાંજે ૫ કલાકે લગ્નવિધિ શરૂ કરતા પહેલાં તમામ વરઘોડીયા સહિત જનમેદની વીર જવાનોને ભાવાંજલી આપશે અને ત્યારપછી લગ્નવિધિ શરૂ કરવામાં આવશે. વધુમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યું છે કે સમૂહ લગ્નમાં માંડવે લોકો તરફથી સમાજને લગ્નમાં ચાંદલા સ્વરૂપે દાન મળતું હોય તે આ ૬૦માં સમૂહ લગ્ન સમારોહમાં લગ્નના દિવસે જે કંઈપણ દાન મળશે તે પુલવામાં હુમલામાં વીર ગતિ પામેલા વીર જવાનોના પરિવારોને આપવામાં આવશે. સુરતની જનતા એ હંમેશા ઉમદા રાષ્ટ્રીય ભાવનાથી કામ કર્યું છે. ત્યારે સુરત તરફથી વીર જવાનોને માટે પોતાનો ભાવ અને પરિવારો માટે લાગણી વ્યક્ત કરી નાગરિક તરીકેનું કર્તવ્ય નિભાવશે.
૧૯૯૯ કારગીલ યુદ્ધ સમયે શરૂ થયેલ જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી રાષ્ટ્રીય ચેતના માટે નોંધનીય કાર્ય થાય છે. છેલ્લા ૨૦ વર્ષથી વીર શહીદ જવાનોના પરિવારજનોને પુરા સન્માન સાથે આર્થિક સહાય આપવાનું કાર્ય થાય છે. સમગ્ર ભારતમાં સતત વર્ષોથી લોકોમાં રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવાનું કાર્ય માત્ર સુરતથી થાય છે.
સુરતની આ સંસ્થા જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી પુલવામાં હુમલામાં શહીદ જવાનોને વંદન સાથે સલામ કરે છે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સમૂહ લગ્નમાં મળનાર દાનની રકમ આ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોનાં શક્ય તેટલા પરિવારો સુધી પહોંચાડવામાં આવશે. સુરતની રાષ્ટ્રપ્રેમી જનતાને આ વીર જવાનોના પરિવારોને આર્થિક સહયોગ આપવા અનુરોધ છે. જય જવાન નાગરિક સમિતિ સુરતનો ચેક સ્વીકારવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



