સુરત,તા.૧૦
સુરત જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીનો કકળાટ ચારે દિશામાંથી આવી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકાના આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની ગઈ છે. એક તરફ રાજ્ય સરકાર વિવિધ યોજના હેઠળ ગામેગામ હેન્ડપંપ, અંદર ગ્રાઉન્ડ ટાંકી, શ્રમ તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા વિવિધ યોજના પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવા પછી પણ ટ્રાયબલ તાલુકાના અસંખ્ય ગામોમાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે.
રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ૨૦૦૫-૦૬માં સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકાના માંડવી, ઉમરપાડા, માંગરોળ જેવા વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે બોરસદ દેગડીયા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળબે ભાગમાં યોજનાનું અમલ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ભાગમાં માંડવીમાં ૨૩, માંગરોળમાં ૨૩ અને ઉમરપાડામાં ૨ ગામો મળી ૪૮ ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું હતું
આ યોજના માથાદીઠ રોજ ૬૦ લીટર પાણી મળી રહે. સાથે આ યોજના ૨૦૩૪ સુધી પાણી પહોંચાડવાની વાત હતી. ૨૪ કરોડથી વધુના ખર્ચ પછી પણ આ યોજના ઉનાળામાં લાચાર બની જાય છે. કેમકે ઉનાળામાં પાણીના સ્તર નીચે જતા હેન્ડપંપ શોભાના ગાંઠિયા સમાન બની જાય છે. તળાવો સુકાઈ જાય છે. હાલમાં પણ ૪૮ ગામોમાંથી માંડ ૧૦થી ૧૨ ગામોમાં પાણી પહોંચાડવામાં તંત્ર સફળ રહ્યું છે. બાકીના ગામો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



