સુરેન્દ્રનગર,તા.૨૬
લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનાં રાજકારણમાં પણ ભંગાણનાં એંધાણ દેખાઇ રહ્યાં છે. એક તરફ સુરેન્દ્રનગરના ભાજપનાં સાંસદ દેવજી ફતેપરાનુ પત્તુ કપાતા તેમના તેવર બદલ્યાં છે. એટલું જ નહીં, કોળી સમાજની બેઠક બોલાવી ભાજપ છોડવા સુધીનો નિર્ણય લઇ બળવો કરવા તૈયારી કરી છે. ત્યારે બીજી બાજુ ભાજપમાંથી કોંગ્રેસમાં જાડાયેલા શામજી ચૌહાણને પણ કોંગ્રેસથી નારાજ છે. ત્યારે તેમણે કહ્યું છે કે, તેઓ બે દિવસમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેશે. મહત્વનું છે કે આજે આ બંન્ને કોળી સમાજનાં નેતાઓની બંધ બારણે બેઠક યોજાઇ હતી.
આ બેઠક અંગે શામજી ચૌહાણને પૂંછતા તેમણે કહ્યું હતું કે, ‘દેવજી ફતેપરા કોંગ્રેસમાં જાડાશે કે નહીં તે અંગે અમારી કોઇ વાતચીત નથી થઇ. ભાજપ હોય કે કોંગ્રેસ તેઓ કોળી સમાજનાં નેતાઓને સાથે ઠાલા વચન આપે છે પરંતુ તે પુરા નથી કરતાં. એટલે અમે હવે અમારા સમાજને ભેગો કરીને તેમની સાથે બેઠક કરીશું અને જા તેઓ કહેશે તો અમે બંન્ને કોળી નેતાઓ મળીને અપક્ષ ચૂંટણી લડીશું.’
સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાએ એવો આરોપ મૂક્યો હતો કે,પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા અને ધનજી પટેલે ટિકીટ કપાવી છે. પૈસાના જારે મુજપરાને ટિકીટ આપવામાં આવી છે. તેમણે ધનજી પટેલ પર આક્ષેપ કર્યો કે, તેમણે તેમના ભાણેજને બિઝનેસ કરવા મારો બંગલો ભાડે માંગ્યો હતો જે મે આપ્યો ન હતો ત્યારથી તેઓ મારી વિરુધ્ધમાં છે. આગામી દિવસોમાં કોળી સમાજની બેઠક મળશે તેમાં શુ નિર્ણય કરવો તે નક્કી કરવામાં આવશે. સમાજ કહેશે તો, હું ભાજપ પણ છોડી દઇશ. એટલુ જ નહીં,ભાજપના ઉમેદવારને હરાવવા તમામ પ્રયાસો કરીશ.બધુય સમાજ નક્કી કરશે.
નોંધનીય છે કે હળવદમાં “લોકસભામાં દેવજી ફતેપરા બીજુ કોઇ નહી” તેના પોસ્ટરો લાગ્યાં છે. દેવજી ફતેપરાના સર્મથકોએ આ પોસ્ટર લગાવ્યાં છે. આ પોસ્ટરો સરા ચોકડી , જુની મામલાતદાર કચેરી, ટીકર રોડ તેમજ જાહેર રસ્તા પર પોસ્ટર લગાવવામાં આવ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



