વડાપ્રધાને સુરેન્દ્રનગરમાં બીજી સભા સંબોધી
કોંગ્રેસ દેશમાં જુઠ્ઠાણુ ફેલાવી રહી છે,જે પ્રકારની ભાષા બોલે છે તેનાથી પાકિસ્તાનમાં વાહવાહી થઇ રહી છે
સુરેન્દ્રનગર,તા.૧૭
ગુજરાતમાં ચૂંટણી પ્રચારના બીજા તબક્કામાં બપોરે ૨ કલાકે પીએમ મોદી અમદાવાદ પર પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના દિગ્ગજ નેતાઓ તેમને આવકારવા માટે પહોંચ્યા હતા. બાદમાં તેમણે હિંમતનગરમાં સભા સંબોધી હતી. હવે તેઓ સુરેન્દ્રનગર ખાતે સભા સંબોધી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થક સભા સ્થળે પહોંચી ગયાં છે. સભા સ્થળે સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહની લાગણી જાવા મળી રહી છે.
અહિં સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેન્દ્ર મુંજપરા માટે મત માંગશે. તમને જણાવી દઇએ કે, સુરેન્દ્રનગરની બેઠક સંવેદનશીલ ગણાય છે. ઝાલાવાડની ધરતી પર વડાપ્રધાન સંબોધન કરવા જઇ રહ્યા છે. મેરા બુથ સબસે મજબૂત સભાને વડાપ્રધાન ને સંબોધી રહ્યા છે.
વડાપ્રધાને સભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી દેશમાં જુઠ્ઠાણું ફેલાવી રહી છે. કોંગ્રેસ જે પ્રકારની ભાષા બોલ છે તેનાથી તેમની પાકિસ્તાનમાં વાહવાહી થઇ રહી છે. પરંતુ આપણા દેશની સેનાએ જે કર્યું તેનાથી કોંગ્રેસ પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન હાલમાં રડી રહ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીમાં ઉભા થવાના દિવસો નથી રહ્યા, તે લોકો પહેલા ગુજરાતને ગાળો આપતા હતા અને ગુજરાતને બદનામ કરતા હતાં. કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતને બદનામ કરવાની પરંપરા ચાલુ રાખી.
ઝાલાવાડની પ્રજાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, કોઇ મજબુર સરકાર દેશ યોગ્ય રીતે ચલાવી શકે નહી. પીએમ મોદીએ ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે જે લોકો મૃત્યું પામ્યા છે કે ઇજાગ્રસ્તો બન્યા છે. તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
એક બાજુ કોંગ્રેસનો વિચાર છે કે દેશના મધ્યમ લોકો પાસેથી વધુ ટેક્ષ વસૂલવો તો એક તરફ અમારી સરકાર છે જેણે મધ્યમ વર્ગના લોકો માટે ટેક્ષમાં આવકમર્યાદા વધારી દીધી છે.
આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું પણ ચારિત્ર્ય બદલાઈ ગયું છે. તેઓ હવે દેશ વિરોધી લોકોની ભાષા બોલવા લાગ્યા છે. આપણે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી તો કોંગ્રેસ પાર્ટી તેના સબૂતો માંગે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




