સિડની ટેસ્ટ ખરાબ પ્રકાશ અને વરસાદને કારણે ડ્રો જાહેર કરાઈ
ચાર ટેસ્ટ મેચ સિરિઝમાં ૫૨૧ રન બનાવનાર પૂજારા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર,હવે પ્રથમ વન-ડે ૧૨ જાન્યુઆરીએ સિડનીમાં રમાશે
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતનાર કોહલી બન્યો પહેલો એશિયન કેપ્ટન,ભારત ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતનાર દુનિયાની પાંચમી અને એશિયાની પહેલી ટીમ બની
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સિરીઝમાં સૌથી વધુ ૨૧ વિકેટ લીધી
સિડની,તા.૭
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટ ડ્રો થઈ છે. તે સાથે ભારતે ચાર ટેસ્ટની આ સિરીઝ ૨-૧થી જીતી લીધી છે. ભારતે ૭૨ વર્ષના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી છે. ભારત ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતનાર દુનિયાની પાંચમી અને એશિયાની પહેલી ટીમ છે. આ પહેલાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી ચૂક્યા છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ આજે ઈતિહાસ રચી દીધો છે.
સીડની ખાતે યોજાયેલી ચોથી ટેસ્ટમાં વરસાદ વિધ્ન બન્યો હતો. અને મેચ ડ્રો કરવી પડી હતી. વરસાદના કારણે ચોથા દિવસે ૬૪.૪ ઓવર બાદ રમત આગળ વધી શકી ન હતી. ત્રીજા દિવસે પણ અપૂરતા પ્રકાશના કારણે ૧૬.૩ ઓવર ઓછી ફેંકવામાં આવી હતી. ભારતીય ટીમમાં ચેતેશ્વર પૂજારાએ સમગ્ર સિરીઝમાં સૌથી વધુ ૫૨૧ રન બનાવીને તેઓ મેન ઓફ ધ સીરિઝ બન્યો છે.જ્યારે સીડનીની ટેસ્ટ મેચમાં પણ પૂજારાએ ૧૯૩ રન બનાવીને મેન ઓફ ધ મેચ બન્યો છે.
ભારત-ઓસ્ટ્રેલિયાની ચોથી અને છેલ્લી ટેસ્ટના છેલ્લાં દિવસે વરસાદના કારણે મેચ શરૂ થઈ જ શકી નહતી. ઉલ્લેખનીય છે ટીમ ઇન્ડિયાએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. ચેતેશ્વર પુજારાના ૧૯૩ અને ઋષભ પંતના ૧૫૯ રનની મદદથી પ્રથમ ઇનિંગ્સમાં ૬૨૨ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ ૩૦૦ રનમાં સમેટાઇ હતી. જેને લઇને ભારતે ઓસ્ટ્રેલિયાના ફોલોઓન કર્યું હતુ. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ફોલોઓન રમતા બીજી ઈનિંગમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૬ રન બનાવ્યા હતા.
ખરાબ પ્રકાશ અને વરસાદના કારણે ચોથા દિવસે પણ ૬૪.૪ ઓવરની ગેમ બરબાદ થઈ ગઈ હતી. ખરાબ પ્રકાશના કારણે ત્રીજા દિવસે પણ ૧૬.૩ ઓવર ઓછી ફેંકવામા આવી હતી.
ભારતે આ શ્રેણીની પહેલી અને ત્રીજી ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો. જેમાં પ્રથમ ટેસ્ટ એડિલેડ ખાતે રમાઇ હતી જેમાં ભારતે ૩૧ રને વિજય મેળવ્યોહતો. જ્યારે બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ૧૪૬ રને પરાજય આપ્યો હતો.
પરંતુ ત્રીજ મેલબર્ન ખાતેની ટેસ્ટમાં ભારતે ૧૩૭ રને ઓસ્ટ્રેલિયાને પરાજય આપી શ્રેણીમાં ૨-૧ની સરસાઇ મેળવી હતી. આમ સિડની ટેસ્ટ ડ્રો પરિણમતા ભારત ૨-૧થી શ્રેણી જીતી ગયું છે.
ચેતેશ્વર પૂજારાને ‘મેન ઓફ ધ મેચ’ અને ‘મેન ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે. પૂજારાએ સમગ્ર શ્રેણીમાં કુલ ૫૨૧ રન કર્યા હતા અને ૩ સેન્ચુરી પણ ફટકારી હતી.
બોલિંગ વિભાગમાં, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આ સીરિઝમાં સૌથી વધારે વિકેટ લીધી. એ ૨૧ વિકેટ લઈને ટોપ બોલર બન્યો.
હવે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ત્રણ વન-ડે મેચ રમશે. શ્રેણીનો પહેલો વન-ડે ૧૨ જાન્યુઆરીએ સિડનીમાં જ રમાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




