નિઃસ્વાર્થભાવે, પ્રેમભાવે, નિરપેક્ષભાવે કોઈ પણ કર્મ કરે તો એ પુણ્યનું કર્મ બની જાય છે.

0
111

(‘અખંડ આનંદ’ સામયિકના જાન્યુઆરી ૨૦૧૮ના અંકમાંથી સાભાર)
પુણ્યનું વાવેતર – મનસુખ સલ્લા

માણસ જીવનભર સતત કાર્યો કરે છે, પરંતુ નિઃસ્વાર્થભાવે, પ્રેમભાવે, નિરપેક્ષભાવે કોઈ પણ કર્મ કરે તો એ પુણ્યનું કર્મ બની જાય છે. સાવરકુંડલામાં એવી અસાધારણ ઘટના બની. એક શિક્ષકે પ્રાથમિકથી ઉચ્ચશિક્ષણ સુધી હૈયાની ઊલટથી, વિદ્યાર્થીઓ માટેના પ્રેમથી ભણાવ્યું. શાળાના સમય પછી ઉત્તમ કૃતિઓનો આસ્વાદ કરાવ્યો. વિદ્યાર્થીઓમાં રહેલી શક્યતાને સંકોર્યા કરી. એનો હોંકારો ભલે ૫૦ વર્ષ પછી મળ્યો, પરંતુ એ પુણ્યનું વાવેતર હતું. એમના વિદ્યાર્થીઓએ ગુરુૠણ અદા કરવા શિક્ષકના નામનું ફાઉન્ડેશન કર્યું. પૂ. મોરારિબાપુ તો શિક્ષકનું ગૌરવ થાય એમાં રાજી જ હોય. શ્રી હરેશભાઈ મહેતા અને ડૉ. માનસેતાસાહેબે ધુરા સંભાળી. બધા ટ્રસ્ટીઓ ૠણ અદા કરવા જોડાયેલા. ચાર વર્ષ સાવરકુડંલામા ઉત્તમ કાર્યક્રમો થયા. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પ્રદાન કરનારાઓનું ઍવોર્ડ આપી ગૌરવ થયું. ઉત્તમ વ્યાખ્યાનો અને નાટકો રજૂ થયાં.

એક કથા દરમિયાન પૂ. મોરારિબાપુએ સહજભાવે કહ્યું છે કે ‘દરદીની એક જ ઓળખ છે – તે દરદી છે. બસ એને નિઃશુલ્ક સારવાર મળવી જોઈએ.’ દૂર મુંબઈમાં બેસીને બાપુની કથા સાંભળતા હરેશભાઈ મહેતાને હૈયે આ વાત ઊતરી ગઈ. આ પણ પુણ્યનું જ વાવેતર. સાવર-કુંડલાના નોખી ભાતના લોકસેવક લલ્લુભાઈ શેઠના નામ સાથે જોડાયેલા આરોગ્ય મંદિરનો સત્‍સંકલ્પ ધીરેધીરે ઊગી નીકળ્યો. ખાદી કાર્યાલયના ટ્રસ્ટીઓએ કેમ્પસ અને મકાનો આપ્યાં. અદ્યતન સાધનો આવ્યાં. સમર્પિત ડૉક્ટરો, નર્સો અને સ્ટાફ મળ્યાં. પૂ બાપુને કહીને શિક્ષકે પોતાનું નામ ફાઉન્ડેશનમાંથી કઢાવી નાખ્યું, પણ પુણ્યના પ્રવાહમાં સંકળાયેલા રહ્યા.

પૂ. મોરારિબાપુને હૈયે બેઠેલો ભાવ એવો કે દર્દીને નિઃશુલ્ક સારવાર તો મળે જ, પણ તેમને ઓશિયાળાપણું ન લાગે. સન્માનપૂર્વકની સારવાર મળે, ઉત્તમ સારવાર મળે જ. આપણે ત્યાં નિઃશુલ્ક હોય એ મોટેભાગે રેઢિયાળ હોય છે. બધું ચલાવી લેવાય છે. વિદ્યાગુરુ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓનો આગ્રહ છે કે બધું વ્યવસ્થિત, ઉત્તમ અને આરોગ્યપ્રદ હોવું જોઈએ. એ કાળજી ‘લલ્લુભાઈ શેઠ આરોગ્યમંદિર’માં હકીકતરૂપે પ્રગટ થઈ છે.

પૂ. બાપુ રાજી હતા કે કેસ કાઢવાથી લઈને ડાયાલીસીસ કે મોટા ઓપરેશન સુધીનું બધું નિઃશુલ્ક હતું. દર્દીનું અને સાથે આવેલાનું જમવાનું નિશૂલ્ક હતું. છેલ્લાં ત્રણ વર્ષમાં ત્રણ લાખ જેટલા દર્દીઓએ આરોગ્યમંદિરનો લાભ લીધો છે. દરરોજ ૧૨ દર્દીનું ડાયાલીસીસ થાય છે. દરરોજ ઓપીડી ઉપરાંત ગાયનેક, ડાયાલીસીસ સેન્ટર, પેથોલોજી વિભાગ, ડેન્ટલ વિભાગ, બાળઆરોગ્ય વિભાગ, સર્જિકલ વિભાગ, ફિઝિપોથેરપી, હોલિસ્ટિક હેલ્થકેર (યોગ, આયુર્વેદ, નેચરોપથી, હૉમેયોપથી), દવાનો વિભાગ, ભોજનશાળા વગેરે કાર્યરત છે. વિશાળ કેમ્પસમાં ઉદ્યાન અને ધન્વન્તરમંદિરનું અને આધુનિક સુવિધાસભર મકાનોનું નિર્માણ થયું છે.

ટ્રસ્ટીમંડળનું સ્વપ્ન તો એવું છે કે વિશાળ કેમ્પસમાં તમામ પ્રકારના રોગોની સારવાર મળે એવી ૧૦૦ પથારીની નિશૂલ્ક ઈનડોર હોસ્પિટલ અને નિશૂલ્ક મેડિકલ કૉલેજ સ્થપાય. છેલ્લાં ત્રણ વર્ષથી પૂ. બાપુને હૈયે ‘આરોગ્યમંદિર’ની કાળજી જાગતી રહી હતી. હરેશભાઈ – માનસંતાસાહેબ તથા ટ્રસ્ટીઓએ આ કાર્ય મિશનરૂપે સ્વીકાર્યું છે. એ માટે તેઓ રાતદિવસ એક કરે છે. પૂ. બાપુની વિશેષતા એ છે કે નાની વિગત પણ તેમના ધ્યાન બહાર નથી હોતી. તો લલ્લુભાઈ શેઠ આરોગ્યમંદિર નિશૂલ્ક ચલાવવું કેટલું કઠણ એ વાત એમના ચિત્તમાં હતી. એટલે વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પર્વ વખતે તેમણે મંચ પરથી કહ્યું કે, ‘સંકલ્પો બીજા કરે છે અને પૂરા મારે કરવાના હોય છે. પણ આ સંકલ્પ મારો છે અને તમે એને પૂરો કરવા બેઠા છો. આ મારી જવાબદારી છે. હું સામેથી કથા આપવા આવ્યો છું. આરોગ્યમંદિર માટે હું કથા કરીશ.’ જ્યારે પુણ્યનું વાવેતર થાય છે ત્યારે તેનો ફાલ કેવો કેવો ઉતરે છે, એમાં કુદરત પણ કેવી મદદ કરે છે તેનું દ્રષ્ટાંત આ આરોગ્યમંદિર છે. બાપુએ કથા માટે તા. ૩ થી ૧૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ના દિવસો આપ્યા છે.

આજ સુધી અનેક દાતાઓએ ખોબેખોબે દાન આપ્યું છે. કોઈ પણ દાન નોંધપાત્ર જ છે. પરંતુ લલ્લુભાઈ શેઠ આરોગ્યમંદિરમાં એવું અનુભવાય છે કે દાન દેનાર પોતાનું દાન લેખે લાગ્યું, પોતે પુણ્યકાર્યમાં, સત સંકલ્પમાં નમ્ર ફાળો આપી શક્યા એવો ભાવ અનુભવે છે.

માણસ પોતાની શક્તિ મુજબ દાન કરતો હોય છે. ઉત્તમ કાર્યમાં ભાગીદાર થતો હોય છે. પરંતુ કેટલાંક કાર્યો ખૂબ વિશિષ્ટ હોય છે. એમાં ભાગીદાર થવું એ લક્ષ્મીને વિષ્ણુનો સ્પર્શ આપવા જેવું મહત્‍ કાર્ય બની રહે છે. કહો કે લક્ષ્મી પવિત્ર થાય છે. કારણ કે દર્દીઓ સાજા થઈને જાય છે ત્યારે એમને હૈયેથી અબોલ એવો સંતોષ, રાજીપો અને આશીર્વાદ પ્રગટ થતો હોય છે, એ આખી ઘટનાને અમૂલ્ય બનાવી દે છે. જાણે એક યજ્ઞમાં ભાગીદાર થવાની ઉચ્ચતા અનુભવાય છે. એટલે બાપુએ ૨૦૧૫માં કહ્યું કે ‘જેને સોણું આવવુંય મુશ્કેલ છે એવું આરોગ્યમંદિર સાવરકુંડલાની ધરતી ઉપર વાસ્તવિકતા બનીને ઊભું છે.’ નબળામાં નબળી આર્થિક સ્થિતિવાળાને ઉત્તમમાં ઉત્તમ સારવાર મળે, દદીને નારાયણ ગણીને વ્યવહાર થાય અને દર્દીને નારાયણ ગણીને વ્યવહાર થાય અને દર્દીને ઓશિયાળાપણું ન લાગે એમ સારવાર મળે એ ઘટનાનું ગૌરવ કરીએ તેટલું ઓછું છે.

મોટાં મોટાં (લાખ કે કરોડ રૂપિયાનાં) દાનનું મહત્વ છે એમ જ એક ટંકની ભાગીદારી કરીને પણ સહભાગી થઈ શકાય છે. એવી ‘જ્યોત સે જ્યોત જલે’ યોજનામાં કાં મહિને ૩૦૦, કાં વર્ષે ૩૬૦૦ કાં એક સાથે ૩૬૦૦૦૦ આપી શકાય છે. આવા એક હજાર જણ મળે તેવી અપેક્ષા છે. હકીકતે દસ હજાર જણ મળવા જોઈએ. કોર્પસ ફંડ તો એટલું થવું જોઈએ કે ટ્રસ્ટીઓને આર્થિક પાસાની ચિંતા ન રહે. સાથે જ રોજરોજના કાર્યોના નિભાવ માટે એક એક વિભાગની જવાબદારી પાંચ પાંચ હજાર લોકો ઉપાડે તો આ ગોવર્ધન પર્વત ઊંચકવાનો ભાર કોઈને નહિ લાગે.

સેતુબંધ વખતે ખિસકોલીએ શરીર ભીનું કરીને રેતીના કણો લઈ જઈને સેતુ બાંધવામાં પૂર્યા હતા તેવી આ ઘટના છે. આ ભીનું થવાની ઘટના છે. પુણ્યના વાવેતરમાં સાથ આપવાની તક છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY