આપણે ત્યાં કેટલાક નમૂના એકદમ નવરા હોય છે એટલે તેમને સાવ વાહિયાત કહેવાય તેવા તુક્કા સૂઝયા કરે છે. આ તુક્કા સૂઝે તેની સામે પણ આપણને વાંધો નથી. આ તુક્કાને એ લોકો પોતાના મનમાં રાખતા હોય તો પણ ચાલે પણ તકલીફ એ છે કે આ તુક્કા સાથે એ બધા હરખપદૂડા થઈને કોર્ટમાં દોડી જાય છે. કોર્ટ પાસે પણ બીજાં હજારો કામ છે. કેસોનો ઢગલો થયેલો છે ને એ બધાંનો નિકાલ કરવામાં કોર્ટો ઉત્સાહ બતાવતી નથી જ્યારે આવી વાતોમાં કોર્ટને પણ શૂરાતન આવી જાય છે એટલે તાબડતોબ ચુકાદા ફટકારી દે છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ફટાકડાના પ્રતિબંધ મુદ્દે આપેલો ચુકાદો તેનો તાજા પુરાવો છે.
ફટાકડા પર પ્રતિબંધની વાતો આપણે ત્યાં નવી નથી ને કેટલાક ચૂલિયા ચળવળકારો આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયેલા. તેમણે દેશભરમાં ફટાકડાને સાવ પ્રતિબંધિત કરી દેવા અરજી કરેલી. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ અરજીઓ પર ચુકાદો આપ્યો ને તેમાં તેમણે ફટાકડા પર પ્રતિબંધની વાતને તો ડૂચો કરી નાંખ્યો. સુપ્રીમ કોર્ટે એ કામ ચોક્કસપણે સારું કર્યું પણ સામે બીજા જાત જાતના ને ભાત ભાતના પ્રતિબંધો ઠોકી દઈને કસર પૂરી કરી નાંખી.
સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર જે નિયંત્રણો મુકીયા છે તે સાંભળીને હસવું આવે છે. સુપ્રીમના ચુકાદા પ્રમાણે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ના મૂકી શકાય પણ લોકોએ ગ્રીન ફટાકડા જ ફોડવા પડશે. ગ્રીન એટલે જેનાથી પ્રદૂષણ ઓછું ફેલાય તેવા ફટાકડા. દિવાળીના તહેવારો વખતે રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. બેસતા વરસ ને ક્રિસ્ટમસ સેલિબ્રેશન વખતે રાત્રે પોણા બારથી સાડા બાર લગી ફટાકડા ફોડી શકાશે. સુપ્રીમ કોર્ટે કિયા ફટાકડા ફોડી શકાશે તેની પણ ચોખવટ કરી છે. આ આદેશ પ્રમાણે લોકો લૂમ નહીં ફોડી શકે કેમ કે તેનાથી વધારે પ્રદૂષણ ફેલાય છે. ફટાકડાની કંપનીઓ ઓછું પ્રદૂષણ ફેલાય તેવી લૂમ બનાવે તો તે ફોડવા સામે સુપ્રીમને જરાય વાંધો નથી. સુપ્રીમ કોર્ટે એવું પણ સૂચન કર્યું છે કે, સરકારે કોમ્યુનિટી ક્રેકર બસ્ટિગને પ્રોત્સાહન આપવું જાઈએ. મતલબ કે લોકો વ્યકિતગત રીતે નહીં પણ ભેગાં મળીને ફટાકડા ફોડે તેને પ્રોત્સાહન મળવું જાઈએ. સુપ્રીમે એક બીજા આદેશ એ પણ આપ્યો છે કે, ઓનલાઈન ફટાકડાનું વેચાણ બંધ કરવું પડશે ને ફિલપકાર્ટ કે એમેઝોન જેવી વેબસાઈટ્સ ફાટકડા વેચતી હશે તો તેમની સામે સુપ્રીમ કોર્ટની અવમાનનાનો કેસ થશે.
આપણને ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકાય તેની સામે વાંધો નથી. ઓનલાઈન ફટાકડા વેચતી વેબસાઈટ બધી વિદેશી છે તેથી એ ના કમાય તો આભ તૂટી પડવાનું નથી પણ એ સિવાય બીજાં જે પણ નિયંત્રણ મુકાયાં છે એ બધાં હાસ્યાસ્પદ છે. આપણે ત્યાં ફટાકડા લોકોના જીવનનો ભાગ છે ને ખુશીના દરેક પ્રસંગની ઉજવણી ફટાકડા ફોડીને કરાય છે. લગ્ન હોય તો પણ લોકો ફટાકડા ફોડે ને ભારત મેચ જીતે તો પણ લોકો ફટાકડા ફોડે. દિવાળી હોય તો પણ લોકો ફટાકડા ફોડે ને નવા વરસનું સેલિબ્રેશન પણ લોકો ફટાકડા ફોડીને કરે. સુપ્રીમ કોર્ટે આ બધા પ્રસંગોએ ફટાકડા ફોડવા કે નહીં તેનો ફોડ પાડ્યો નથી ત્યારે એ વખતે શું કરવાનું ? માનો કે સુપ્રીમ કોર્ટે રાત્રે ૮થી ૧૦ વાગ્યાનો સમય નક્કી કર્યો છે તેને અનુસરવામાં આવે તો હવે આ બધા પ્રસંગો કંઈ સુપ્રીમ કોર્ટે નક્કી કરેલા સમયમાં જ બને એવું હોય ? બપોરે લગન હોય તો શું કરવાનું ? લગન પતી જાય પછી રાત્રે ૮ વાગ્યે ફટકડા ફોડવા બહાર આવવાનું ? ભારત અડધી રાતે મેચ જીતે તો પછી બીજા દિવસે રાત્રે ૧૦ વાગે ફટાકડા ફોડવાના ? સાલુ, ખબર જ નથી પડતી.
સુપ્રીમ કોર્ટે ગ્રીન ફટાકડા જ ફોડવા એવું પણ ફરમાન કર્યું છે. હવે લોકોને કઈ રીતે ખબર પડે કે કિયા ફટાકડા ગ્રીન છે ને કિયા ફટાકડા રેડ છે ? એ બધું નક્કી કરવાનું કામ સરકારનું છે ને વાસ્તવમાં તેના માટેના નિયમો અમલમાં છે જ. એ નિયમો પ્રમાણે ફટાકડા ના બનતા હોય તો એ લોકોની સમસ્યા થોડી કહેવાય ? તેની કિંમત લોકોએ ચૂકવવાની ? આવાં તો બીજાં સત્તર લફરાં છે ને તેનું શું કરવું તેની ખબર જ નથી પડતી.
આપણે ત્યાં ફટાકડા લોકો માટે ખુશી વ્યક્ત કરવાનું, ઉજવણી કરવાનું માધ્યમ છે ને આ નિયંત્રણો એ ખુશી છિનવી લેનારાં છે. લોકો ચાર દિવસ મજા કરે તેના પર પણ પાબંદીઓ મૂકી દેવાય એ કેવું ? બીજું એ કે ફટાકટા મોટો ઉદ્યોગ પણ છે ને તેના કારણે દેશમાં લાખો લોકોને રોજગારી મળે છે. ફટાકડા પર નિયંત્રણો ઠોકો તેમાં તેમના પર પણ અસર પડવાની જ. સરકાર પાસે તો લોકોને રોજગારી આપવા શું કરવું તેની ગતાગમ નથી જ. તેમાં વળી આવા ડબકા આવે એટલે લોકો બે પૈસા રળી ખાય છે એ પણ છિનવાઈ જાય.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ વાતનો પુરાવો છે કે, આ દેશમાં ગરીબ કી જારૂ સબ કી ભાભી એ સિદ્ધાંત ચાલે છે. સામાન્ય લોકો ગરીબ કી જારૂ છે તેથી બધાં તેની બજાવ્યા કરે છે. આપણે ચૂંટેલા આપણા કહેવાતા પ્રતિનિધિઓ હોય, સરકારી અમલદારો હોય કે પછી ન્યાયતંત્રમાં બેઠેલા લોકો હોય, બધા જ સામાન્ય લોકોની મેથી માર્યા કરે છે. દેશમાં થતી દરેક ખરાબી માટે તેને જવાબદાર ઠેરવીને તેના પર નિયંત્રણો ઠોકિયા કરે છે. ફટાકડા ફોડવાના મામલે પણ એવું જ થયું છે. ફટાકડા પ્રદૂષણ ફેલાવવામાં યોગદાન આપે છે તેની ના પાડી ના શકાય પણ પ્રદૂષણ ફેલાવવામાં ફટાકડાનું યોગદાન સાવ નહિવત્ છે. બલ્કે એક ટકો પણ યોગદાન નથી.
આપણે ત્યાં હવાનું પ્રદૂષણ ફેલાવવામાં સૌથી વધારે યોગદાન ઉદ્યોગો અને વાહનો આપે છે. દેશમાં ઠેર ઠેર મોટા મોટા ઉદ્યોગો ઊભા કરી દેવાયા છે ને આ ઉદ્યોગો પ્રદૂષણની ચિંતા જ કરતા નથી. દેશભરમાં લાખોની સંખ્યામાં નાની નાની ફેક્ટરીઓ છે ને એ બધામાં વપરાતી મશીનરી બાવા આદમના જમાનાની છે. આ બધાં રોજ ટનબંધ કાર્બન ડાયોક્સાઈડ ઓકે છે. આપણે ત્યાં વીજળી ઉત્પાદન કરવા માટે હજુય કોલસો વપરાય છે ને સરકારી પાવર પ્લાન્ટ્સ જ સૌથી વધારે પ્રદૂષણ ફેલાવે છે. એ સિવાય દેશમાં હજારોની સંખ્યામાં સરકારી વાહનો ને બસો છે ને લાખોની સંખ્યામાં ખાનગી વાહનો છે. આમાંથી મોટા ભાગનાં પેટ્રોલ ને ડીઝલ પર ચાલે છે. આ વાહનોનો ધુમાડો પ્રદૂષણ વધારવામાં મોટું યોગદાન આપે છે.
આપણે ત્યાં રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રી પણ મોટી છે ને દેશભરમાં લાખો સાઈટ્સ ચાલતી હોય છે. આ સાઈટ્સ પર થતા ખોદકામ ને બીજી કામગીરીના કારણે પણ જંગી પ્રમાણમાં હવાનું પ્રદૂષણ ફેલાય છે. દેશભરમાં દિલ્હીમાં સૌથી વધારે પ્રદૂષણ છે ને દિલ્હી હાઈ કોર્ટને ગયા વરસે આપેલા રિપોર્ટમાં નિષ્ણાતોએ કહેલું કે, દિલ્હીમાં પ્રદૂષણ માટે સતત ઊડતી રહેતી ધૂળ અને વાહનોનો ધુમાડો સૌથી વધારે જવાબદાર છે. દિલ્હીમાં આડેધડ બાંધકામો થઈ રહ્યાં છે તેના કારણે ખોદકામ ચાલ્યા જ કરે છે. પરિણામે ધૂળ ઊડ્યા જ કરે છે તેથી પ્રદૂષણ વધે છે ને લોકોનું સ્વાસ્થ્ય બગડે છે તેવી ટિપ્પણી હાઈ કોર્ટે કરી હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ કબૂલેલું કે રિયલ એસ્ટેટના કારણે બહુ પ્રદૂષણ ફેલાય છે.
આ વાતો જગજાહેર છે ને કોર્ટના રેકોડ્ર્સ પર છે પણ સાલી તકલીફ એ છે કે તેમના પર કોઈ નિયંત્રણો નથી કે પ્રતિબંધો નથી. દેશમાં લાખો વાહનો રસ્તા પર ફરે છે, ઉદ્યોગો ને ફેક્ટરીઓ ધમધમે છે, બાંધકામો પણ થયા કરે છે ને તેના કારણે ફેલાતા પ્રદૂષણને રોકવા નથી સુપ્રીમ કોર્ટ કશું કરતી કે નથી સરકાર કશું કરતી. બીજી બાજુ સામાન્ય લોકો ચાર દાડા ફટાકડા ફોડીને રાજી થાય તેમાં તો બધાંને પેટમાં ચૂંક આવવા માંડે છે. ચૂલિયા ચળવળકારો પણ ફટાકડાના કારણે પ્રદૂષણ ફેલાય એવો દેકારો કરવા મચી પડે છે. આ હઈસો હઈસોમાં નિયંત્રણો ઠોકાઈ ગયાં.
સાલુ, પૈસાદાર મોંઘીદાટ ગાડી ચલાવીને પેટ્રોલ-ડીઝલના ધુમાડા કરે ને પ્રદૂષણ વધારે એ ચાલે. બિલ્ડર ઠેર ઠેર ખોદકામ કરીને ધૂળ ધૂળ કરી નાંખે એ ચાલે. ઉદ્યોગો ધમધમે ને વાતાવરણ કાળુંધબ્બ થઈ જાય તેનો પણ વાંધો નહીં પણ નાના માણસો ફટાકડા ફોડે એ નહીં ચાલે. આખેઆખા હાથી નીકળી જાય ને પૂંછડું ભરાઈ જાય એ આનું નામ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




