આખા દેશને અત્યારે મંગળવારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, છત્તીસગઢ ને મિઝોરમ એ પાંચ રાજ્યોમાં ભાજપનું શું થાય છે તે સિવાય બીજા કશામાં રસ નથી. મીડિયા પણ તેની ચોવટમાં પડ્યું હતું ત્યાં સોમવારે સાંજે રિઝર્વ બૅંકના ગવર્નરપદેથી રાજીનામું ધરીને આપણા ગુજરાતી ઊર્જિત પટેલે મોટો ધડાકો કરી નાંખ્યો. ઊર્જિત પટેલને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સાથે ખાસ તો કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલી સાથે લાંબા સમયથી સખળડખળ ચાલતું હતું તેના કારણે એ છોડું છોડું કરતા જ હતા પણ જતા નહોતા.
ગયા મહિને તો સરકાર સાથેનો ડખો એટલો વધેલો કે ઊર્જિત પટેલે રાજીનામું ધરી દીધું એવી વાતો પણ ચાલેલી. એ પછી રિઝર્વ બૅંકના બોર્ડ આૅફ ડિરેક્ટર્સની મીટિંગ મળી ને એ મીટિંગ પછી જેટલીથી માંડીને પટેલ સુધીના બધા લાગતાવળગતા ડાહી ડાહી વાતો કરવા લાગેલા તેથી એવું લાગેલું કે, ડખો પતી ગયો છે ને ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. આપણે કિયા કંકાસ હોય ત્યાં લગી બધાંને રસ પડે, પણ કંકાસ પતે એવો બધાંનો રસ ઊડી જતો હોય છે. આ કિસ્સામાં પણ જેવું બધાંને લાગ્યું કે કંકાસ પતી ગયો છે કે તરત બધાંને રસ ઊડી ગયો ને લોકોએ બીજા કંકાસોમાં મન પરોવવા માંડેલું. લોકો આ વાતને ભૂલી જ ગયેલાં ત્યાં ઊર્જિત પટેલે રાજીનામાનું એલાન કરીને સૌને મોટો આંચકો આપી દીધો.
ઊર્જિત પટેલની ગવર્નર તરીકેની મુદત સપ્ટેમ્બર ૨૦૧૯માં પૂરી થવાની હતી. પટેલ એ રીતે હજુ બીજા ૧૦ મહિના લગી ગવર્નરપદે રહી શકે તેમ હતા, પણ તેના બદલે તેમણે પહેલાં જ સંકેલો કરી લીધો. પટેલે પોતાના રાજીનામા માટે અંગત કારણોને જવાબદાર ગણાવ્યાં છે, પણ એ સત્તાવાર કારણ છે. સત્તાવાર કારણ મોટા ભાગે સાચું હોતું નથી એ નાના છોકરાને પણ ખબર પડે એવી વાત છે. ઊર્જિત પટેલના કિસ્સામાં પણ એ સિધ્ધાંત લાગુ પડે જ છે ને સાચું કારણ બધાંને ખબર છે. રિઝર્વ બૅંક આૅફ ઈન્ડિયા (આરબીઆઈ)ની કામગીરીમાં મોદી સરકારને ખાસ તો જેટલી કડછા માર્યા કરે છે તેમાં ડખો શરૂ થઈ ગયેલો. ઊર્જિત પટેલે જ્યાં લગી ઝીંક ઝીલી શકાતી હતી ત્યાં લગી ઝીંક ઝીલી ને પછી હથિયાર હેઠાં મૂકીને રાજીનામું ધરી દીધું.
રિઝર્વ બૅંકના ગવર્નર તરીકે રઘુરામ રાજન હતા ત્યારથી જ મોદી સરકાર રિઝર્વ બૅંકના કામમાં કડછા મારે છે તેવા આક્ષેપો થતા જ હતા, પણ રાજન મજબૂત માણસ હતા તેથી ગાંઠતા નહોતા. આ જ કારણે રાજનની મુદત વધારવામાં નહોતી આવી. રાજનની વિદાય પછી મોદીએ ઊર્જિત પટેલને ગવર્નર બનાવ્યા પછી બધું ટાઢુંબોળ થઈ જશે એવું લાગતું હતું. ઊર્જિત પટેલ ગુજરાતી છે ને મોદીના માનીતા ગણાતા હતા તેથી એ મોદી અને ખાસ તો નાણામંત્રી અરૂણ જેટલીને માફક આવે એ રીતે રહેશે તેથી કોઈ ડખો નહીં થાય એવું સૌને લાગતું હતું. ઊર્જિત પટેલ ૨૦૧૬ના સપ્ટેમ્બરમાં રિઝર્વ બૅંકના ગવર્નર બન્યા ત્યારથી ગયા મહિના લગી કોઈ મોટા ડખા બહાર નહોતા આવ્યા તેથી બધાંને લાગતું હતું કે, ઊર્જિત પટેલ એકદમ કહ્યાગરા બનીને વર્તે છે તેથી કેન્દ્ર સરકાર ને રિઝર્વ બૅંકનું કમઠાણ પતી ગયું છે.
ગયા મહિને અચાનક જ રિઝર્વ બૅંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે એક પ્રવચનમાં બળાપો કાઢ્યો ને લોકોને ભાન થયું કે, બહાર બધું ભલે સારું સારું લાગતું હોય, પણ રિઝર્વ બૅંકમાં અંદરખાને ડખા તો છે જ. ઊર્જિત પટેલ પણ ખુશ નથી ને તેમને સરકાર સાથે રાજન કરતાં પણ વધારે મોટા વાંધા છે. ઊર્જિત પટેલે સીધેસીધું કશું કહેવાના બદલે આચાર્ય પાસે બળાપા કઢાવેલા. આચાર્યે કાઢેલા બળાપાનો ટૂંકમાં સાર એ હતો કે, કેન્દ્ર સરકાર રિઝર્વ બૅંકને સ્વતંત્ર રીતે કામ કરવા દેતી નથી ને બધી વાતમાં ચમચો નાંખે છે એટલે મજા નથી આવતી. તેમણે તો ચીમકી પણ આપેલી કે, કેન્દ્ર સરકાર રીઝર્વ બેંકને પોતાની તાબેદાર માનીને વર્તતી રહેશે તો આપણા અર્થતંત્રનો ભાંગીને ભુક્કો થઈ જશે. આચાર્યના બળાપા પછી જેટલી આણિ મંડળ પણ મેદાનમાં આવી. જેટલીએ અર્થતંત્રની બેહાલી માટે રિઝર્વ બૅંક પર દોષનો ટોપલો ઢોળી દીધો. જેટલીએ કહી દીધેલું કે, બૅંકો આડેધડ લોનો આપી આપીને ભેરવાઈ ગઈ છે તેના માટે રિઝર્વ બૅંક જવાબદાર છે ને તેના કારણે અર્થતંત્રની બુંદ બેસી ગઈ છે. આ સામસામી ભાંડણલીલા ખાસ્સી ચાલેલી ને પછી બોર્ડની મીટિંગ મળી તેમાં શું રંધાયું કે, યુદ્ધવિરામ થઈ ગયેલો. હવે ઊર્જિત પટેલે રાજીનામું આપ્યું છે ત્યારે બધાંને અહેસાસ થયો છે કે, એ યુદ્ધવિરામ વાસ્તવમાં તો મોટા ધડાકા પહેલાંની શાંતિ હતી.
ઊર્જિત પટેલે રાજીનામું આપ્યું એ ઘટના મોટી છે, પણ તેમાં દેશને કશું નુકસાન નથી કેમ કે ઊર્જિત પટેલે રિઝર્વ બૅંકના ગવર્નર તરીકે એવું કશું જારદાર કર્યું નથી કે જેના કારણે તેમના જવાનો અફસોસ થાય. રઘુરામ રાજનની પોતાની મુદત પૂરી કર્યા પછી વિદાય થયેલા. મોદી સરકાર સામે તેમને ઘણા વાંધા હતા છતાં રાજને પોતાની મુદત પૂરી કરેલી. મોદી સરકારે તેમની મુદત નહોતી વધારી. મોદી સરકારનો એ અધિકાર હતો ને એ રીતે મોદી સરકારે કશું ખોટું નહોતું કર્યું છતાં લોકો તેમની વિદાય વખતે ખરખરો કરતા જ હતા. રાજને પોતાની ટર્મ પૂરી થવાની હતી તેના દિવસો પહેલાં કહી દીધેલું કે, પોતે ગવર્નરપદે ચાલુ રહેવા માગતા નથી. રાજન એ રીતે પોતાની મરજીથી વિદાય થયા હતા છતાં લોકો મોદી સરકારનો વાંક કાઢતાં હતાં. એક સારો માણસ આ દેશમાંથી જતો રહ્યો ને અહીં સારા લોકોની કદર જ નથી એવી ટીકાઓ પણ થયેલી. રાજન માટે લોકોને આદર હતો તેનું કારણ એ હતું કે, તેમણે ખરાબ સમયમાં દેશના અર્થતંત્રને ગબડવા દીધું નહોતું. રાજને એવા નક્કર પગલાં લીધેલાં કે જેના કારણે સામાન્ય માણસનાં હિતો ના જાખમાય. બૅંકોના વ્યાજ દર પહેલાં તેમણે ઘટાડ્યા ને પછી વધારીને લોકોને થયેલું નુકસાન સરભર કરી આપેલું. રાજને શું કરેલું તેની વાત કરવા બેસીશું તો આ લેખ નાનો પડશે તેથી એ વાત અહીં પૂરી કરીએ ને પાછા ઊર્જિત પટેલની વાત પર આવીએ.
ઊર્જિત પટેલે ગવર્નર તરીકે એવું કશું કર્યું નહીં કે જેના કારણે તેમની હાજરી વર્તાય. રાજનની સરખામણીમાં તેમની પાસે વધારે તક હતી. બલકે તેમની પાસે તો ઈતિહાસમાં અમર થઈ જવાનો મોટો મોકો આવી ગયેલો, પણ એ તકને ઊર્જિત પટેલ ઝડપી ના શકિયા ને સાવ નિષ્ફળ સાબિત થયેલા. નરેન્દ્ર મોદીએ નાટબંધી લાદી એ વખતે ઊર્જિત પટેલ જ ગવર્નરપદે હતા. ઊર્જિત રિઝર્વ બૅંકના ગવર્નર બન્યા એ વખતે બહુ મોટી મોટી વાતો થયેલી પણ પટેલ પહેલી જ પરીક્ષામાં નાપાસ થઈ ગયા હતા. નાટબંધી પછી દેશમાં આર્થિક મોરચે જે અરાજકતા ને અંધાધૂંધીનો માહોલ સર્જાયો તેના માટે રિઝર્વ બૅંક જવાબદાર હતી. ગવર્નર તરીકે ઊર્જિત પટેલ એ માળખું ગોઠવી જ ના શકિયા કે લોકોને તકલીફ ના પડે ને નાટબંધીનો અમલ સરળ ને સહજ રીતે થાય.
મોદીએ રૂપિયા ૫૦૦ ને ૧૦૦૦ની નોટો બંધ કરવાની જાહેરાત કરી એ વખતે કહેલું કે, બે દિવસ પછી ૫૦૦ ને ૨૦૦૦ની નવી નોટો આવી જશે. એ વાતને બે મહિના થયા પછી ટીવી ચેનલો સિવાય બીજે કિયાય રૂપિયા ૫૦૦ની નવી નોટ દેખાતી જ નથી. એટીએમમાં ભરવા માટે પણ બૅંકો પાસે નવી નોટો નહોતી. લોકો ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો આપે તેના બદલામાં પાછી આપવા માટે નવી નોટો કોઈ પાસે પૂરતા પ્રમાણમાં નહોતી. તેના કારણે લોકો છતા રૂપિયે ભિખારી જેવી હાલતમાં આવી ગયેલા.
નોટોની આ અછતના કારણે લોકોને બીજી તકલીફો પડી તેની વાત માંડવાનો અત્યારે સમય નથી. તેનો અર્થ પણ નથી કેમ કે લોકો બધું જાણે છે. ઊર્જિત પટેલની એ જવાબદારી હતી કે, નોટોનો પ્રવાહ સતત ચાલુ રહે પણ એ એવું કરી શકિયા નહીં ને લોકોને જે હાલાકી પડી એવી હાલાકી કદી નહોતી પડી. મોદી સરકારે પટેલને વિશ્ર્વાસમાં લીધા વિના આ ખેલ કરેલો એવી વાતો પણ ચાલેલી. એ વાતો સાચી હોય તો ઊર્જિત પટેલ માટે વધારે શરમજનક કહેવાય.
ઊર્જિત પટેલની શિલકમાં એ સિવાય બીજું કશું છે નહીં. નાટબંધીના કારણે તેમને યાદ કરાશે, બાકી તેમને યાદ રાખવા પડે એવું કશું તેમણે કર્યું નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




