વડોદરા,તા.૨૭
ગુજરાતમાં ૨૩ એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાનાર છે. વડોદરા લોકસભા બેઠકના ઉમેદવારો ૨૮થી ૪ એપ્રિલ દરમિયાન રજાના દિવસો સિવાય સવારે ૧૧થી બપોરે ૩ વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્રો ભરી શકશે. બુધવારે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. આજથી જાહેરનામુ અમલી બનશે. તેમણે જણાવ્યું હતું કે, ઉમેદવારે તેઓની સામે પોલીસ ફરિયાદ, કોર્ટ કેસ અથવા સજા થયેલી હોય તો તે અંગેનું સોંગદનામું રજૂ કરવું પડશે.
મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરા લોકસભા બેઠકના ઉમેદવારોની રેલી ઉમેદવારી પત્ર ભરવાના સ્થળથી ૧૦૦ મીટર દૂર સુધી જ લઇ જઇ શકશે. તેમજ ઉમેદવાર સહિત ૫ વ્યક્તિ ઉમેદવારી પત્રો ભરવાના રૂમમાં જઇ સકશે. ઉમેદવારે ઉમેદવારી પત્ર ભરતી વખતે તેઓનો છેલ્લા ૩ માસમાં પડાવેલા લેટેસ્ટ ફોટો આપવાનો રહેશે. જે ફોટો ઇ.વી.એમ. ઉપર લગાવવાના ઉપયોગમાં લેવામાં આવશે.
ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી તંત્ર દ્વારા આ વખતે પ્રથમ વખત ઉમેદવારે તેના ક્રિમિનલની વિગતો આપતું સોંગદનામું રજૂ કરવાનું રહેશે. જેમાં હાલમાં ચાલતા પોલીસ કેસ, કોર્ટ કેસ તેમજ કોર્ટ દ્વારા થયેલી સજાની માહિતી આપવાની રહેશે. આ સોગંદનામાની જાણ તેઓને તેઓના પક્ષને પણ આપવાની રહેશે. આ ઉપરાંત ઉમેદવારે ચૂંટણીના ૪૮ કલાક પૂર્વે ૩ વખત લોકપ્રિય અખબારો તેમજ ન્યૂઝ ચેનલોમાં ક્રિમિનલ રેકોર્ડની જાહેરાત આપવાની રહેશે. જેનો ખર્ચ ઉમેદવારને આપવામાં આવેલી રૂપિયા ૭૦ લાખની મર્યાદામાં ગણવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



