વડોદરા,તા.૩૦
વડોદરા લોકસભા બેઠકના ભાજપનો ઉમેદવારના ચૂંટણી ફોર્મ ભરવા માટે આવેલા મુખ્યમંત્રીની રેલીમાં ખિસ્સાકાતરુએ ઉપદ્રવ મચાવ્યો હતો અને એક ડઝન જેટલા કાર્યકરો અને ટેકેદારોના ખિસ્સા હળવા કરતા ઉહાપોહ મચી ગયો હતો.
વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટની તા.૨૯મીએ બપોરે રાવપુરા જુબેલી બાગ પાસેથી ઉમેદવારીપત્ર ભરવા માટે રેલી નીકળી હતી. આ રેલીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ સાંસદના ઉમેદવાર સાથે ખુલ્લી જીપમાં જોડાયા હતા. રેલીમાં કાર્યકરો અને ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોઈ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
આમ છતાં ખિસ્સાકાતરુઓ અનેક ટેકેદારોના ખિસ્સા હળવા કરવામાં સફળ રહ્યા હતા. પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ એક ડઝન જેટલા કાર્યકરોના ખિસ્સા હળવા થયા છે. આ પૈકી આઠ જણાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કુલ રૂ. ૨૫,૩૫૦ રોકડા તેમજ આધારકાર્ડ, પાનકાર્ડ, એટીએમ કાર્ડ, ચુંટણીકાર્ડ જેવા દસ્તાવેજા ચોરાયા હોવાની ફરિયાદ નોંધાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



